અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત પર ટેરિફ લાદવાનો નવો રાઉન્ડ ચાલુ કરીને બ્રાન્ડેડ ડ્રગ્સ, હેવી ડ્યુટી ટ્રક, ફર્નિચર સહિતની પ્રોડક્ટ્સ પર 25થ 100 ટકા સુધીની ટેરિફની ગુરુવારે જાહેરાત કરી હતી. બ્રાન્ડેડ ફાર્મા પર 100 ટકાની જંગી ડ્યૂટીથી ભારતના ફાર્મા ઉદ્યોગને મોટો ફટકો પડવાની ધારણા છે. આ તમામ નવી ડ્યૂટી પહેલી ઓક્ટોબરથી અમલી બનશે.
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કીચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર ૫૦% ટેરિફ તથા અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર ૩૦% ટેરિફ વસૂલવાનું શરૂ કરશે, બધી નવી ડ્યુટી ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે.આનું કારણ અન્ય દેશો દ્વારા અમેરિકામાં આ પ્રોડક્ટ્સનું ડમ્પિંગ છે.
બ્રોન્ડેડ ફાર્માની આયાત પર 100 ટકા ટેરિફની જાહેરાતથી ભારત, જાપાન સહિતના એશિયાના દેશોની ફાર્મા કંપનીઓના શેરો ગબડ્યાં હતાં.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પરનો નવો 100% ટેરિફ તમામ આયાતો પર લાગુ થશે. જો કંપનીએ અમેરિકામાં ઉત્પાદન પ્લાન્ટ બનાવવાનું કામ પહેલાથી જ શરૂ કરી દીધું હશે તો તેને માફી મળશે.
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ વિદેશ નીતિનું એક મુખ્ય વેપાર હથિયાર તરીકે ઊભર્યું છે. તેમણે અત્યાર સુધી અમેરિકાના વેપાર ભાગીદારો પર 10થી લઇને 50 ટકા સુધીની ટેરિફ લાદી છે. આનાથી વૈશ્વિક આર્થિક ભાવિ પણ અનિશ્ચિત બન્યું છે.
ટ્રુથ સોશિયલ પર કરાયેલી જાહેરાતોમાં નેશનલ ટેરિફ ઉપર આ નવો ટેક્સ લાગુ થશે કે નહીં તથા યુરોપિયન યુનિયન અને જાપાન જેવા વેપાર કરાર ધરાવતા અર્થતંત્રોને મુક્તિ આપવામાં આવશે કે કેમ તે અંગે વિગતો શામેલ નહોતી. ટોક્યોએ કહ્યું કે તે હજુ પણ નવા પગલાંની સંભવિત અસરનું વિશ્લેષણ કરી રહ્યું છે.
ટ્રમ્પે અગાઉ સ્ટીલ અને એલ્યુમિનિયમ, તેની ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સ, લાઇટ-ડ્યુટી ઓટો અને પાર્ટસ તથા તાંબા પર રાષ્ટ્રીય સુરક્ષા ટેરિફ લાદ્યા હતાં .ટ્રમ્પ વહીવટીતંત્રના જાપાન, EU અને યુનાઇટેડ કિંગડમ સાથેના વેપાર કરારો કરેલા છે. તેમાં કેટલીક પ્રોડક્ડ્સ માટે ટેરિફ મર્યાદિત કરવાની જોગવાઈઓ શામેલ છે, તેથી નવા ઊંચા રાષ્ટ્રીય સુરક્ષા ટેરિફ સંમત દરોથી ઉપર ન જાય તેવી શક્યતા છે.
ટ્રેડ પબ્લિકેશન ફર્નિચર ટુડેના જણાવ્યા અનુસાર 2024માંમાં અમેરિકામાં ફર્નિચરની આયાત $25.5 બિલિયનને પહોંચી હતી, જે પાછલા વર્ષ કરતા 7% વધુ છે. તેમાંથી લગભગ 60% આયાત વિયેતનામ અને ચીન કરાઈ હતી. અગાઉ ઓગસ્ટમાં ટ્રમ્પે ફર્નિચર પર નવી ટેરિફ લાદવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેનાથી નોર્થ કેરોલિના, દક્ષિણ કેરોલિના અને મિશિગનમાં ફર્નિચર બિઝનેસ પાછો લાવશે.સરકારી આંકડાઓ અનુસાર, યુ.એસ.માં ફર્નિચર અને લાકડાની પ્રોડક્ટ્સ ક્ષેત્રમાં નોકરીની સંખ્યા વર્ષ 2000 પછી અડધી થઈ ગઈ છે.
ટ્રમ્પે ફુગાવો ઘટાડવાનું વચન આપ્યું છે, પરંતુ પરંતુ આ તમામ પ્રોડક્ટ્સ પર ઊંચી ટેરિફથી ભાવમાં વધારો થશે. કોમર્શિયલ વાહનો પર ઊંચા ટેરિફથી પરિવહન ખર્ચમાં વધારો થશે.
ટ્રમ્પે કહ્યું હતું કે હેવી-ડ્યુટી ટ્રક પરની નવી આયાત ટેરિફથી અમેરિકાના ઉદ્યોગને અયોગ્ય બાહ્ય સ્પર્ધાથી રક્ષણ મળશે.
યુએસ ચેમ્બર ઓફ કોમર્સે અગાઉ વિભાગને નવા ટ્રક ટેરિફ ન લાદવા વિનંતી કરી હતી, જેમાં નોંધ્યું હતું કે ટોચના પાંચ આયાત સ્ત્રોતો મેક્સિકો, કેનેડા, જાપાન, જર્મની અને ફિનલેન્ડ છે “જે બધા અમેરિકાના સાથી અથવા નજીકના ભાગીદારો દેશો છે અને યુએસ રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ ખતરો નથી.
