નોર્થ વેસ્ટ લંડનના નોર્થોલ્ટના શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC) ખાતે “સંસ્કૃતિનો ઉત્સવ”ના થીમ સાથે વાર્ષિક ચોવિસ ગામ ઉજમણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છના 24 ગામડાઓના 9,000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્સવની શરૂઆત હનુમાનજી અને ગણેશ મંદિરમાં હૃદયસ્પર્શી આરતીથી થઈ હતી. ત્યારબાદ એક ઉત્સાહપૂર્ણ શોભાયાત્રા નીકળી હતી. શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર હેરો ગર્લ્સ એન્ડ બોયઝ પાઇપ બેન્ડ અને લેઝિમ કલાકારોએ તમામ 24 ગામોના પ્રતિનિધિઓનું નેતૃત્વ કર્યું હતું. સમુદાયના 40થી વધુ સ્ટોલના એક્સ્પો સાથે વાર્ષિક મેગેઝિનનું વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે બોબ બ્લેકમેન CBE વતી ગુડ ગવર્નન્સ, એક્સેલન્સ ઇન લીડરશીપ એવોર્ડ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયા (SKLPC UK પ્રમુખ)ને એનાયત કર્યો હતો. જે એવોર્ડ માવજીભાઈએ સમુદાય અને SKLPC મેનેજિંગ કમિટીને સમર્પિત કર્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ભુજ મંદિરના સંતો – સ્વામી નીલકંઠ ચરણ દાસજી અને સ્વામી ક્રુષ્ણસ્વરૂપ દાસજીએ ઇન્ડિયા ગાર્ડન્સના સમર્થનમાં ભાષણો આપ્યા હતા. આ ઉપરાંત, ભુજ મંદિર અને ભુજ સમાજના મહંત સ્વામી દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
SKLPC UK ના પ્રમુખ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયાએ સમાજના સભ્યોને ઇન્ડિયા ગાર્ડન્સના નિર્માણ અને SKLPC UK ના નવા ઘરના નિર્માણ માટે દાન આપવા પ્રોત્સાહિત કરી ઉપસ્થિતોને બાંધકામની પ્રગતિ વિશે માહિતી આપી હતી.
કાઉન્સિલર તારિક મહમૂદ (લેબર ઈલિંગ કાઉન્સિલ), શાસ્ત્રી ધ્રુવકુમાર ભટ્ટ (ઓમ સંસ્કારધામ મંદિર – ભુજ કચ્છ), સંજય કારા (BAPS સ્વામિનારાયણ ટ્રસ્ટી)એ સમાજથી તેમને વ્યક્તિગત રીતે કેવો ફાયદો થયો હતો તેની સમજ આપી હતી.
SKLPC UK ના પ્રમુખ માવજી ધનજી જાદવા વેકરિયા અને જનરલ સેક્રેટરી રવિ વરસાણીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે સમુદાયના આદરણીય મહેમાનો સામજીભાઈ દબાસિયા (જેસામ), જીતુભાઈ હાલાઈ (પ્રાઈમ ગ્લેઝ), કિશોર વેકારિયા (સ્ટુડિયો વી આર્કિટેક્ટ્સ), સુરેશ પટેલ (મેન્ડિક વારિંગ), સરદાર ધામ (ગુજરાત)ના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા, સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગાગજી સુતારિયા, અને SLP UK ના ટ્રસ્ટીઓ, કૃપેશ હિરાણી (બ્રેન્ટ અને હેરો માટે લંડન એસેમ્બલી સભ્ય), કાઉન્સિલર ચેતના હાલાઈ (કેન્ટન ઇસ્ટ), કાઉન્સિલર હીના મકવાણા (સાઉથ રાઇસ્લીપ), કાઉન્સિલર કાંતિ રબાડિયા (કેન્ટન વેસ્ટ), કાઉન્સિલર સુનિતા હિરાણી (કેન્ટન), કાઉન્સિલર જયંતિ પટેલ (ક્વીન્સબરી), હરીશ અને દિના ભૂડિયા (સેવા યુકે), જસવંતારાય દોશી (નવનાત વણિક એસોસિએશન યુકે) ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાની વર્ષભર યોજાતી પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવા માટે મેનેજિંગ કમિટી આખો દિવસ SKLPC સ્ટેન્ડ પર હાજર રહી હતી અને સંસ્થાની ક્રિકેટ ક્લબ, સેટરડે સ્કૂલ, એડવેન્ચર્સ, વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ ટુર્નામેન્ટ, વડીલ સંમેલન અને માનવ સેવા, ટિફિન સેવા વિષે માહિતી આપી હતી. સેટરડે સ્કૂલ અને વિવિધ ગામના લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સ્ટેનમોર મંદિર દ્વારા 700થી વધુ સ્વયંસેવકો માટે ગાંઠિયા, મરચા અને સંભારાનો નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વૂલીચ, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ઇસ્ટ લંડન અને શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર હેરો તેમજ તમામ ગામ સભ્યોએ સમુદાયના ભોજન માટે ફાળો આપ્યો હતો. આ પ્રસંગે 8,000 થી વધુ લોકોએ નવા સેન્ટરમાં પૂરી, શીરો, ખીચડી અને દાળ સહિત વિવિધ વાનગીનું સાથે ભોજન લીધું હતું. જ્યાં સમુદાયના લોકો પ્રગતિ જોઈ ઇન્ડિયા ગાર્ડન્સ કેવું બનશે તેની જાણકારી મેળવી શક્યા હતા.
લંચને સ્પોન્સર કરનારા SKLPC મેનેજિંગ કમિટી, બળદીયા સર્વોદલ સમિતિ, વેકરિયા નિયાની, કમલા અને મીના વેકરિયા, અમરતબેન અને દેવજીભાઈ કાનજી કેરાઈ અને પરિવાર (બળદીયા), શ્રીયા, ક્રિસ્ટલ અને જેનીશા વેકરિયા, કમલા કિરીટ, માધાપરના મીના અરવિંદ વેકરિયા, નારણ અને રાધા હિરાણી સહિતના દાતાઓનો આભાર માન્યો હતો.
ફાસ્ટ-ફૂડ સ્ટોલ પર સ્વયંસેવકોની ટીમ દ્વારા સ્થળ પર જ તૈયાર કરવામાં આવેલા દાબેલી, ભજીયા, ચિપ્સ અને ચીલી પનીરની સૌએ મઝા માણી હતી. કચ્છ પ્રદર્શનમાં રંગબેરંગી પોશાક, ચરખા કોટન વ્હીલ, કચ્છી ફેશન પ્રથાઓ, બાધણી, પીટ લૂમિંગ અને અજરક વિશે માહિતી રજૂ કરાઇ હતી.
કીડ્ઝ ઝોનમાં બાઉન્સી કાસલ, બિસ્કિટ ડેકોરેશન, ફેસ પેઇન્ટિંગ અને VR અનુભવોની બાળકોએ મઝા માણી હતી. ભાગ લેનાર સૌ બાળકોને ગાર્ડન કીટ અને જર્નલ અપવામાં આવી હતી. ઇન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના સ્ટીલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે ત્યારે સૌને દાન કરવા અપીલ કરવામાં આવી હતી.
ઉજમણીના કન્વીનર કિરણભાઈ દેવરાજ પિંડોરિયા, નીરાબેન મોહન હિરાણી, માવજીભાઈ ધનજી જાદવા વેકરિયા અને વૈશાલી વરસાણીએ કાર્યક્રમને સફળ બનાવનાર 700 સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.
www.sklpc.com
