
અવિરત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલથી પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં બે દિવસમાં ઓછામાં 24 લોકોના મોત થયા હતાં. ઘણા ઘરો તણાઈ ગયા, રસ્તાઓ કપાઈ ગયા હતાં અને ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં હતાં. વ્યાપક વિનાશ વચ્ચે સેંકડો પ્રવાસીઓ ફસાયાં હતાં.
શનિવાર 3 ઓક્ટોબરથી પડી રહેલા અવરિત વરસાદથી પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પહાડીઓમાં પૂર અને ભૂસ્ખલનની ઓછામાં ઓછા સાત ઘટના નોંધાઈ હતી. નાગરકાટાના ધાર ગાંવમાં ભૂસ્ખલનને કારણે ઘણા ઘરો ધરાશાયી થઈ હતાં અને કાટમાળમાંથી ઓછામાં ઓછા 40 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતાં. ભૂસ્ખલનના કારણે મીરિક-સુખિયાપોખરી રોડ સહિત મુખ્ય માર્ગો પર ટ્રાફિકની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને અનેક પહાડી વસાહતો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સહાયની જાહેરાત કરીને જણાવ્યું હતું કે માત્ર 12 કલાકમાં 300 મીમી (8.11 ઇંચ)થી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા સાત સ્થળોએ ગંભીર પૂર અને ભૂસ્ખલન થયું હતું. આ ઉપરાંત ભુતાનમાં અવિરત વરસાદને કારણે ઉત્તર બંગાળમાં પૂરના પાણી ફરી વળ્યાં હતાં.
NDRF અને જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ સરસલી, જસબીરગાંવ, મિરિક બસ્તી, ધાર ગાંવ (મેચી), નાગરાકાટા અને મિરિક તળાવ વિસ્તાર સહિતના અનેક સ્થળોથી જાનહાનિના અહેવાલ મળ્યાં હતાં. ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાએ જણાવ્યું હતું કે જાનહાનિ દુ:ખદ છે. પરિસ્થિતિ ચિંતાજનક છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 20 છે. તેમાં વધારો થવાની શક્યતા છે.
NDRFના નિવેદન મુજબ ભૂસ્ખલનમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મિરિકમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતાં અને આ વિસ્તારમાંથી સાત ઘાયલોને બચાવી લેવામાં આવ્યાં હતાં. દાર્જિલિંગમાં સાત લોકોના મોત થયાં હતાં. પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ પ્રતિભાવ ટીમોની મદદથી બચાવ કામગીરી ચાલુ કરાઈ હતી. દુર્ગા પૂજા અને તે પછીના તહેવારોનો આનંદ માણવા માટે દાર્જિલિંગની પહાડીઓ પર ઉમટેલા સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. કોલકાતા અને બંગાળના અન્ય ભાગોના પરિવારો અને જૂથો સહિત ઘણા લોકો મિરિક, ઘૂમ અને લેપચાજગત જેવા લોકપ્રિય સ્થળો પર ફસાયા હોવાના અહેવાલ છે.
