REUTERS/Navesh Chitrakar

ભારતના પડોશી દેશ નેપાળમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ, ભૂસ્ખલ અને અચાનક પૂરને કારણે સોમવાર, 6 ઓક્ટોબર સુધીમાં ઓછામાં 51 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતાં.

સશસ્ત્ર પોલીસ દળ (APF)ના પ્રવક્તા કાલિદાસ ધૌબાજીએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે કોશી પ્રાંતના ઇલમ જિલ્લાના વિવિધ સ્થળોએ આશરે 37 લોકોના મોત થયા હતાં.

નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)ના જણાવ્યા મુજબ 37 લોકોમાંથી દેઉમાઈ અને મૈજોગમાઈ નગરપાલિકામાં આઠ-આઠ, ઇલમ નગરપાલિકા અને સંદકપુર ગ્રામીણ નગરપાલિકામાં છ-છ, સૂર્યોદય નગરપાલિકામાં પાંચ, મંગસેબુંગમાં ત્રણ અને ફાકફોકથુમ ગામમાં એક વ્યક્તિના મોત થયા હતાં. ઉદયાપુરમાં બે અને પંચથરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઉપરાંત રૌતહાટમાં વીજળી પડવાથી ત્રણ અને ખોટાંગ જિલ્લામાં બે લોકોના મોત થયા હતા.પંચથર જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થવાને કારણે થયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા હતાં.

નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને એપીએફના જવાનો બચાવ અને રાહત અભિયાનમાં જોડાયા હતા. સુરક્ષા કર્મચારીઓએ હેલિકોપ્ટર મારફત ઇલમ જિલ્લામાંથી એક ગર્ભવતી મહિલા સહિત ચાર લોકોને બચાવ્યા હતાં. નેપાળના સાત પ્રાંતોમાંથી પાંચ પ્રાંતો કોશી, મધેશ, બાગમતી, ગંડકી અને લુમ્બિનીમાં ચોમાસુ સક્રિય છે.

પાડોશી દેશને મદદની ઓફર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ભારત કોઈપણ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.નેપાળમાં ભારે વરસાદને કારણે થયેલી જાનહાનિ અને નુકસાન દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં અમે નેપાળના લોકો અને સરકાર સાથે ઉભા છીએ

LEAVE A REPLY