અમેરિકન
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે અમેરિકન યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ પર 15 ટકા મર્યાદા લાદવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ અમેરિકાની કોઇપણ યુનિવર્સિટી કોઇ એક દેશના 5 ટકાથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં. આનાથી ભારતના વિદ્યાર્થીઓ માટે પણ 5 ટકાની મર્યાદા આવશે. હવે જો વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવામાં આવશે તો નવી અનિશ્ચિતતા ઊભી થશે અને ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ફટકો પડશે. ઘણા લોકો યુએસમાં અભ્યાસની યોજના પર પુનર્વિચાર કરી શકે છે તથા અમેરિકાની જગ્યાએ કેનેડા, યુકે અથવા જર્મની જેવા દેશો તરફ વળી શકે છે, જ્યાં પ્રવેશ નીતિઓ વધુ સ્થિર અને સર્વસમાવેશી છે.

આ મહિનાની શરૂઆતમાં વ્હાઇટ હાઉસે નવ યુનિવર્સિટીઓને એક મેમો મોકલ્યો હતો, જેમાં સરકારી સહાયને નવી શરતો સાથે જોડવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત મુજબ યુનિવર્સિટીઓએ સરકારી ફંડિંગ મેળવવું હશે તો આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યાં 15 ટકા સુધી મર્યાદિત કરવી પડશે અને કોઈપણ એક દેશના વિદ્યાર્થીઓની સંખ્યાને 5 ટકા સુધી સીમિત રાખવી પડશે. વધુમાં જે સંસ્થાઓ પહેલાથી જ આ મર્યાદાઓ ઓળંગી ગઈ છે, તેમના માટે નવા કડક ક્વોટાનું પાલન કરવા માટે વર્તમાન વર્ગોમાં ઘટાડો કરવો પડશે. આ મેમો સાર્વત્રિક નીતિ નથી એટલે કે તે તમામ યુનિવર્સિટીને લાગુ પડતો નથી, પરંતુ તે કેટલીક યુનિવર્સિટીઓને ટાર્ગેટ બનાવે છે અને શરતી છે.

હાલમાં સરકારે નવ યુનિવર્સિટીઓને વિદેશી વિદ્યાર્થીઓ પર મર્યાદાનું અલ્ટીમેટમ આપ્યું છે. આ યુનિવર્સિટીમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT), યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, યુનિવર્સિટી ઓફ એરિઝોના, બ્રાઉન યુનિવર્સિટી, ડાર્ટમાઉથ કોલેજ, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સે જણાવ્યું હતું કે જો અમલમાં મૂકવામાં આવશે, તો તાજેતરના વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આ સૌથી મોટા નિયંત્રણો હશે. આનાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં અભ્યાસની તકોમાં તાત્કાલિક મોટો ઘટાડો થશે. પરંપરાગત રીતે ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા ટોચની પસંદગી રહી છે, જ્યાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અંડરગ્રેજ્યુએટની ડિગ્રી મેળવે છે. દેશ-સ્તરની મર્યાદાનો અર્થ એ થાય છે કે જો ભારત માટેનો 5 ટકા ક્વોટા ભરાઈ જશે તો ઉચ્ચ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે નહીં. આવા પગલાંની અસર માત્ર એડમિશન પૂરતી સીમિત નહીં હોય.

એસપી જૈન સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ ડીન ડૉ. ઉમેશ કોઠારીએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત હાલના મુશ્કેલ વાતાવરણને વધુ મુશ્કેલ બનાવે છે. હાલમાં વિદ્યાર્થીઓ નાણાકીય દબાણ, વિઝામાં વિલંબ અને જોબ માર્કેટમાં ફેરફાર જેવા પડકારનો સામનો કરી રહ્યાં છે. નવી દરખાસ્ત વધુ અનિશ્ચિતતા ઊભી કરશે.

યુનિવર્સિટી લિવિંગના સ્થાપક અને સીઈઓ સૌરભ અરોરાએ જણાવ્યું હતું કે આ પગલું યુએસ યુનિવર્સિટીઓમાં વર્ગખંડની વિદ્યાર્થીઓના વૈવિધ્યને પણ અસર કરશે. આવા નિયંત્રણોથી અમેરિકાની ટેલેન્ટ પાઇલપાઇન એટલે કે ભવિષ્યની પ્રતિભા પણ નબળી પાડશે. આવા પગલાથી  કુશળ વૈશ્વિક પ્રતિભાઓને અને ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને આકર્ષવાની અમેરિકાની ક્ષમતા પર અસર થશે. STEM ક્ષેત્રોમાં ભારતીય વિદ્યાર્થીઓ નોંધપાત્ર યોગદાન આપે છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ H-1B વિઝા દ્વારા યુએસ વર્કફોર્સમાં પ્રવેશ કરે છે અને ઇનોવેશનને વેગ આપે છે.

 

LEAVE A REPLY