એર ઇન્ડિયા 26 ઓક્ટોબરથી દિલ્હીથી લંડન (હિથ્રો) વચ્ચે ચોથી દૈનિક ફ્લાઇટ્સ ચાલુ કરશે. આનાથી ઊંચી માંગવાળા આ રૂટ પર તેની સાપ્તાહિક ફ્લાઇટ્સની સંખ્યા વધીને 28 થશે. હાલમાં, ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન દિલ્હી-લંડન રૂટ પર 24 સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવે છે, જેમાં ત્રણ ફ્લાઇટ્સ એડહોક ધોરણે ઉડાન ભરે છે.
દિલ્હી અને લંડન વચ્ચેની આ વધારાની ફ્લાઇટથી દર અઠવાડિયે વધુ ૧,૧૯૬ મુસાફરો ઉડાન ભરી શકશે. એર ઇન્ડિયાએ તેનો નોર્ધન વિન્ટર 2025 શેડ્યૂલના ભાગ રૂપે યુનાઇટેડ કિંગડમમાં તેની સેવાઓના વિસ્તરણની જાહેરાત કરી હતી. હાઈ-ડિમાન્ડ રૂટ પર એર ઈન્ડિયાની બધી ફ્લાઇટ્સ એરલાઈનના નવા એરબસ A350-900 અને બોઈંગ 787-9 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત થાય છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર ઇન્ડિયા ભારત અને યુકે વચ્ચે સૌથી મોટી કેરિયર છે, જે અઠવાડિયામાં 61 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે અને દર અઠવાડિયે 18,066 બેઠકો (એક દિશામાં) ઓફર કરે છે. આમ બંને દેશો વચ્ચેના રૂટ પર વાર્ષિક લગભગ 1.7 મિલિયન બેઠકો ઓફર કરે છે. એર ઇન્ડિયા પાંચ ભારતીય શહેરો (દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ અને અમૃતસર)ને યુકેના ત્રણ સ્થળો, લંડન (હીથ્રો), લંડન (ગેટવિક) અને બર્મિંગહામ સાથે જોડે છે.
