આસિયાન-ભારત સમિટ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 26 ઓક્ટોબરે વર્ચ્યુઅલી હાજરી આપી હતી. (ANI Video Grab)

ભારત-આસિયાન વાર્ષિક શિખર સંમેલનમાં 26 ઓક્ટોબરે વર્ચ્યુઅલ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત અને આસિયાન દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક મજબૂત પાયા તરીકે ઉભરી રહી છે. મોદીએ 2026ને આસિયાન-ભારત દરિયાઈ સહયોગ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. વડાપ્રધાને આસિયાનના નવા સભ્ય તરીકે તિમોર-લેસ્ટેનું પણ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મલેશિયાના વડાપ્રધાનને જણાવ્યું હતું કે આ વર્ષના સુધી અંત સુધીમાં આસિયન-ભારત વેપાર સોદો થશે.

એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયન) સભ્ય દેશોમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. તિમોર-લેસ્ટે સભ્ય બન્યા પછી સભ્ય દેશોની સંખ્યા વધીને 11 થઈ હતી.

ઇન્ડો પેસિફિકમાં આશિયન દેશોના મહત્ત્વને નવી દિલ્હીના મજબૂત સમર્થનનો પુનરુચ્ચાર કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને આસિયાન દેશો વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે ફક્ત સહિયારી ભૂગોળ જ ધરાવતા નથી, પરંતુ આપણે ઊંડા ઐતિહાસિક સંબંધો અને સહિયારા મૂલ્યોથી પણ બંધાયેલા છીએ.

આસિયાનના અધ્યક્ષ તરીકે મલેશિયા કુઆલાલંપુરમાં વાર્ષિક આસિયાન સમિટ અને સંબંધિત બેઠકોનું આયોજન કરી રહ્યું છે. આસિયાનને આ પ્રદેશમાં સૌથી પ્રભાવશાળી સંગઠન માનવામાં આવે છે. ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશો તેના સંવાદ ભાગીદારો છે.

મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આસિયાન-ભારત વેપાર કરાર (AITIGA)માં કેટલીક વાસ્તવિક પ્રગતિ થઈ છે અને આસિયાન દેશો આ વર્ષ સુધીમાં તેને કરાર પૂર્ણ કરવા માંગે છે.
સહિયારા સાંસ્કૃતિક વારસાને જાળવવા અને લોકોથી-લોકોના સંબંધોને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મોદીએ જણાવ્યું હતું કે 21મી સદી આપણી સદી છે, ભારત અને આસિયાનની સદી. મને વિશ્વાસ છે કે આસિયાન કોમ્યુનિટી વિઝન 2045 અને વિકસિત ભારત 2047નું લક્ષ્ય સમગ્ર માનવતા માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. ભારત આ દિશામાં ખભે ખભા મિલાવીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત દરેક આપત્તિમાં તેના આસિયાન મિત્રો સાથે મજબૂત રીતે ઊભું રહ્યું છે. HADR (માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત), દરિયાઈ સુરક્ષા અને દરિયાઈ અર્થતંત્રમાં આપણો સહયોગ ઝડપથી વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને અમે 2026ને આસિયાન-ભારત દરિયાઈ સહકાર વર્ષ તરીકે જાહેર કરી રહ્યા છીએ.

 

LEAVE A REPLY