ફિલિપાઇન્સમાં ત્રાટકેલી કાલમેગી વાવાઝોડાને કારણે મૃ્ત્યુઆંક ગુરુવારે વધીને 114 થઈ હતો અને હજુ 127 લોકો લાપતા હતાં. વાવાઝોડાથી ભારે વિનાશ વેરાયો હતો. વાવાઝોડાને કારણે આવેલા ભારે પૂરમાં અનેક લોકો ફસાયાં હતાં. પૂરમાં મકાનો ડૂબ્યા હતાં અને કાર સહિતના વાહનો તણાઈ ગયાં હતાં. રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલું એરફોર્સનું એક હેલિકોપ્ટર પણ તૂટી પડ્યું હતું અને તેમાં પાંચ લોકોના મોત થયા હોવાની આશંકા છે.
ડિઝાસ્ટર એજન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે વાવાઝોડા કાલમેગીથી મૃત્યુઆંક વધીને 114 થયો છે અને 127 લોકો હજુ પણ ગુમ છે, દેશના મધ્ય ભાગોને તબાહ કરનાર વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધતાં ફરી મજબૂત બન્યું છે.વિયેતનામના ગિયા લાઇ પ્રાંતમાં, દિવસના મધ્ય સુધીમાં લગભગ 350,000 લોકોને સ્થળાંતર કરવામાં આવે તેવી અપેક્ષા હતી. અધિકારીઓએ ભારે વરસાદ અને વિનાશક પવનોની ચેતવણી આપી હતી.
ફિલિપાઇન્સના સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત સેબુમાં, પૂરના પાણી ઓસરવાથી વિનાશનું પ્રમાણ સ્પષ્ટ થયું અને સપાટ ઘરો, પલટી ગયેલા વાહનો અને કાટમાળથી ભરેલી શેરીઓ દેખાયા હતાં. મંગળવારે કાલ્મેગી વાવાઝોડું આવે તે પહેલાં ફિલિપાઇન્સમાં 200,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. કેટલાક લોકો પાછા ફર્યા છે અને તેમના ઘરો નાશ પામેલા જોયા છે, જ્યારે અન્ય લોકોએ તેમના ઘરો અને શેરીઓમાંથી કાદવ સાફ કરીને સખત સફાઈ શરૂ કરી છે.
સુપર હ્યુ હેલિકોપ્ટર લોરેટો શહેર નજીક ક્રેશ થયું હતું અને તેમાં સવાર વાયુસેનાના કર્મચારીઓને શોધવાના પ્રયાસો ચાલુ કરાયા હતાં. આ વર્ષે ફિલિપાઇન્સ પર ત્રાટકેલું આ 20મી વાવાઝોડુ હતું.
લેયટ પ્રાંતમાં ભારે પૂર આવ્યું હતું અને વીજળી ગૂલ થઈ હતી. ફિલિપાઇન રેડ ક્રોસના સેક્રેટરી-જનરલ ગ્વેન્ડોલીન પેંગે જણાવ્યું હતું કે સેબુ પ્રાંતના દરિયાકાંઠાના શહેર લિલોઆનમાં પૂરના આવવાથી અસંખ્ય રહેવાસીઓ તેમના ઘરોની છત પર ફસાયા હતા. કારો પૂરમાં ડૂબી ગઈ હતી. સેબુ પ્રાંત 30 સપ્ટેમ્બરે આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપમાંથી હજુ પણ બહાર આવી રહ્યો છે ત્યારે વધુ એક આપત્તિ આવી છે. ભૂકંપમાં ઓછામાં ઓછા 79 લોકોના મોત થયાં હતાં અને અનેક ઘરો ધરાશાયી થયાં હતાં. પૂર્વીય સમર પ્રાંતમાં ભીષણ પવનોથી ઘરોની છત ઉડી ગઈ હતી. હોમોનહોન ટાપુમાં લગભગ 300 ગ્રામીણ ઝૂંપડીઓને ભારે નુકસાન થયું હતું.














