(ANI Photo)

દિલ્હીમાં પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ પછી તપાસકર્તાઓએ મંગળવારે હરિયાણાના ​​ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના વધુ ત્રણ ડોક્ટરોને કસ્ટડીમાં લીધા હતાં. વિસ્ફોટ સહિત આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની કથિત સંડોવણી માટે યુનિવર્સિટી સાથે જોડાયેલા ત્રણ ડોક્ટરો ચર્ચામાં આવ્યા બાદ આ યુનિવર્સિટી તપાસનું કેન્દ્ર બની છે. ભારતની અગ્રણી આતંકવાદ વિરોધી એજન્સી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ બ્લાસ્ટ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી.

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સવારે યુનિવર્સિટી પહોંચ્યાં હતાં. કેમ્પસના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતાં. ફરીદાબાદથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકોના જથ્થા અને ત્યારબાદ થયેલા ઘાતક વિસ્ફોટની તપાસ દરમિયાન જે ત્રણ ડોકટરોના નામ સામે આવ્યા છે તેમના વિશે વધુ માહિતી મેળવવા માટે ત્યાંના લોકો સાથે પણ વાતચીત કરી હતી.
આ ત્રણ ડોક્ટરો મુઝમ્મિલ શકીલ, ઉમર મોહમ્મદ અને શાહીન શાહિદ છે. મુઝમ્મિલ અને ઉમર કાશ્મીરના છે, અને શાહીન લખનૌની છે અને ત્રણેય ફરીદાબાદ હોસ્પિટલમાં કામ કરતાં હતાં.

ફરીદાબાદમાં વિસ્ફોટકોની મોટા પાયે જપ્તીની તપાસ દરમિયાન મુઝમ્મિલનું નામ સામે આવ્યું હતું. ફરીદાબાદમાં મુઝમ્મિલે ભાડે રાખેલા બે રૂમમાંથી બોમ્બ બનાવવામાં વપરાતી લગભગ 2,900 કિલો સામગ્રી અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. હકીકતમાં, યુનિવર્સિટી કેમ્પસમાં રહેતા હોવા છતાં, તેણે આ રૂમ ભાડે લીધા હતા.

 

LEAVE A REPLY