(PTI Photo)

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના ભવ્ય વિજય પછી જનતાદળ (યુ)ના વડા નીતિશકુમારે 20 નવેમ્બરે 10મી વખત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં.પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં બિહારના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતાં. નીતિશ કુમાર સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર નાયબ મુખ્યપ્રધાન બન્યાં હતાં. બિહારમાં થોડા વિક્ષેપને બાદ કરતાં છેલ્લાં 20 વર્ષથી નીતિશકુમાર મુખ્યપ્રધાન છે.

ભારતીય જનતા પાર્ટીના 14, જનતા દળ યુનાઈટેડના 8 નેતાઓએ પ્રધાનના પદના શપથ લીધા હતાં. 26માંથી ત્રણ મહિલા પ્રધાન છે જ્યારે એક મુસ્લિમને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા તથા NDA શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો તથા કેટલાક કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા હતાં.

નીતિશ કુમારે 10મી વખત મુખ્યપ્રધાનના પદના શપથ લઈને ઈતિહાસ રચ્યો હતો. તેઓ નવેમ્બર 2005માં પહેલી વખત મુખ્યપ્રધાન બન્યા હતાં. કેબિનેટમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ હિસ્સો મળ્યો હતો, જેમાં બે નાયબ મુખ્યપ્રધાન સહિત કુલ 14 મંત્રીઓનો સમાવેશ થાય છે.

હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર)માંથી કેન્દ્રીય પ્રધાન જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન અને રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ) ક્વોટામાંથી પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા કુશવાહે પ્રધાન તરીકે શપથ લીધા હતાં.

LEAVE A REPLY