(DPR PMO/ANI Photo)

ગુજરાતના સોમનાથમાં જાહેર સભા સંબોધવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે કે સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો વિરોધ કરનારી શક્તિઓ હજી પણ આપણી વચ્ચે સક્રિય છે અને તેમને હરાવવા માટે ભારતે સતર્ક, એકજૂથ અને મજબૂત રહેવાની જરૂર છે. મહંમદ ગઝનીથી લઇને ઓરંગઝેબ સહિતના સોમનાથ મહાદેવ પર હુમલો કરનારા કટ્ટરવાદી આક્રમણકારો હવે ઇતિહાસના પાનાઓમાં દટાઈ ગયા છે, પરંતુ સોમનાથ મંદિરનો ધ્વજ હજુ પણ ઉંચો લહેરાઈ રહ્યો છે.

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત ઐતિહાસિક મંદિર પર ભૂતકાળમાં થયેલા હુમલાઓ અને દર વખતે તેનું પુનઃનિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું તેનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે લોકોના દિલ ક્યારેય તલવારની અણીએ જીતી શકાતા નથી. સોમનાથનો 1,000 વર્ષનો ઇતિહાસ વિનાશ અને હારનો નથી, પરંતુ વિજય અને પુનર્નિર્માણનો છે. સદીઓથી વિનાશના અનેક પ્રયાસો છતાં, ભગવાન શિવને સમર્પિત સોમનાથ મંદિર આજે  શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભું છે, જેનું કારણ સામૂહિક સંકલ્પ અને તેને તેના પ્રાચીન ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો છે.

વડાપ્રધાને જણાવ્યું હતં કે સોમનાથ મંદિર પર થયેલા હુમલા નફરતથી પ્રેરિત હોવા છતાં તેને માત્ર એક લૂંટ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધાર્મિક કટ્ટરતાને ઢાંકવા માટે પુસ્તકો લખવામાં આવ્યા હતા, તેને ફક્ત સામાન્ય લૂંટ તરીકે દર્શાવવામાં આવી હતી. સોમનાથ મંદિરનો વારંવાર નાશ કરવામાં આવ્યો હતો. જો આક્રમણો ફક્ત લૂંટ માટે હોત, તો 1,000 વર્ષ પહેલાંની પહેલી મોટી લૂંટ પછી તે બંધ થઈ ગયા હોત.કોઈ પણ વ્યક્તિ જે ખરેખર પોતાના ધર્મ પ્રત્યે સમર્પિત છે તે આવી ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપશે નહીં. જોકે તુષ્ટિકરણમાં સામેલ લોકો આવા ધાર્મિક ઉગ્રવાદ સામે ઘૂંટણિયે પડ્યાં હતાં.

મોદીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો ત્યારે તેમનો માર્ગ અવરોધાયો હતો અને 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અહીં પુનઃનિર્મિત મંદિરના ઉદ્ઘાટન માટે આવ્યા ત્યારે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.”દુર્ભાગ્યવશ, જે શક્તિઓ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો વિરોધ કરતી હતી તે હજુ પણ આપણા દેશમાં હાજર છે અને તેઓ ખૂબ જ સક્રિય છે. તલવારોને બદલે, ભારત વિરુદ્ધ અન્ય માધ્યમો દ્વારા કાવતરાં ઘડવામાં આવી રહ્યા છે.

મોદીએ કહ્યું હતું કે સોમનાથ મંદિર પર અનેક વખત હુમલા થયા છે, જેમાં ૧૦૨૬માં ગઝનીના મહમૂદ તથા ૧૭મી અને ૧૮મી સદીમાં મુઘલ શાસક ઔરંગઝેબના હુમલાનો સમાવેશ થાય છે. મહમૂદ બેગડા અને ઔરંગઝેબે આક્રમણ દ્વારા મંદિરને મસ્જિદમાં ફેરવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ દરેક હુમલા પછી, માલવાની રાણી અહલ્યાબાઈ હોલકર સહિત ભગવાન શિવના ભક્તો દ્વારા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. જે સંસ્કૃતિઓ બીજાઓનો નાશ કરીને આગળ વધવા માંગે છે તે આખરે પોતાનો નાશ કરે છે. કટ્ટરવાદી આક્રમણકારો હવે ઇતિહાસના પાનાઓમાં સમેટાઈ ગયા છે, પરંતુ સોમનાથ મંદિરનો ધ્વજ હજુ પણ ઉંચો લહેરાઇ રહ્યો છે.

 

LEAVE A REPLY