(DPR PMO/ANI Photo)

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર ખાતે ઉજવાઈ રહેલા સોમનાથ સ્વામિભાન પર્વના ભાગરૂપે રવિવાર, 11 જાન્યુઆરીએ આ ઐતિહાસિક મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા શહીદોના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણમાં ‘શૌર્ય યાત્રા’ કાઢવામાં આવી હતી. ‘શૌર્ય યાત્રા’માં 108 અશ્વોને સામેલ કરાયાં હતાં, જે બહાદુરી અને બલિદાનને પ્રતિબિંબિત કરે છે.

આ યાત્રા પહેલા મોદીએ ઐતિહાસિક મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને મંદિર પરિસરમાં સ્થાપિત કરાયેલી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.શહેરના શંખ સર્કલથી વીર હમીરજી ગોહિલ સર્કલ સુધીના યાત્રાના રૂટની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો અને ભક્તો એકઠા થયાં હતાં. એક કિલોમીટર લાંબી યાત્રા દરમિયાન ખાસ ડિઝાઇન કરેલા વાહન પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન કર્યું હતું.

યાત્રામાં ‘રુષિ કુમારો’નું એક જૂથ, ભગવાન શિવનું વાદ્ય ‘ડમરુ’ વગાડતા મોદીના વાહન સાથે આગળ વધ્યાં હતાં. મોદીએ પોતે બે ડમરુ લઇને વગાડ્યાં હતાં. શૌર્યયાત્રાના રૂટ પર ઊભા કરાયેલા સ્ટેજ પર જમ્મુ અને કાશ્મીર સહિત દેશભરના કલાકારોએ પરંપરાગત નૃત્યોના કાર્યક્રમો રજૂ કર્યા હતાં. આ યાત્રા ‘વીર હમીરજી ગોહિલ સર્કલ’ પર સમાપ્ત થઈ હતી, જ્યાંથી સોમનાથ મંદિરનો માર્ગ શરૂ થાય છે.

આ સર્કલ પર મોદીએ હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હમીરજી ગોહિલે ૧૨૯૯માં દિલ્હી સલ્તનતની સેનાના આક્રમણ સામે સોમનાથ મંદિરનું રક્ષણ કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલે સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તે 1951માં ભક્તો માટે આ મંદિરને ઔપચારિક રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

સોમનાથ મંદિરના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્યા શુરવીરોને યાદ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. 1026માં સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનીના પ્રથમ હુમલા પછી સોમનાથ આસ્થાનું અમર પ્રતિક બની રહ્યું છે ત્યારે આ સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરાયું હતું. સદીઓથી વિનાશના અનેક પ્રયાસો છતાં, સોમનાથ મંદિર આજે શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રતીક તરીકે ઊભું છે.

LEAVE A REPLY