REUTERS/Mohammad Ponir Hossain

બાંગ્લાદેશમાં શુક્રવાર, 21 નવેમ્બરે 5.7ની તીવ્રતાના ભૂકંપમાં એક બાળક સહિત ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયાહતાં અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતાં. ગીચ વસ્તીવાળા પાટનગર ઢાકા સહિત ઘણા વિસ્તારોમાં ઇમારતોને નુકસાન થયું હતું. બાંગ્લાદેશની સરહદે આવેલા પડોશી ભારતના પશ્ચિમ બંગાળ સહિતના પૂર્વી રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે ભારતમાં કોઇ મોટા નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ મળ્યાં ન હતાં.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે ઘાયલોમાં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ગાઝીપુર શહેરના ફેક્ટરી કામદારો અને ભૂકંપના કેન્દ્રબિંદુ નરસિંગડીના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

પોલીસે અગાઉ જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન છ માળની ઇમારતની રેલિંગ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. ઢાકાથી લગભગ 40 કિમી (25 માઇલ) પૂર્વમાં આવેલા નરસિંગડીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું આરોગ્ય સલાહકાર નૂરજહાં બેગમે પત્રકારોને જણાવ્યું હતું. ઇમારતો ધ્રુજતા અને કેટલાક કામચલાઉ બાંધકામો ધરાશાયી થતાં ઢાકાના રહેવાસીઓ તેમના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં.

ઢાકાના રહેવાસી સુમન રહેમાને જણાવ્યું હતું કે “અમને જોરદાર આંચકો લાગ્યો અને ઇમારતો ઝાડની જેમ ધ્રુજી રહી હતી. લોકો નીચે દોડી આવતાં સીડીઓ જામ થઈ ગઈ હતી. બધા ગભરાઈ ગયા હતા, બાળકો રડી રહ્યા હતા.ફાયર વિભાગે જણાવ્યું હતું કે બાંધકામ હેઠળની ઇમારતોમાંથી ઇંટો અને છૂટક સિમેન્ટ પડતાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.
ઢાકામાં કામ કરતા સદમન સાકિબે કહ્યું હતું કે “મેં મારા જીવનમાં ક્યારેય આટલો ધ્રુજારીનો અનુભવ કર્યો નથી. અમે ઓફિસમાં હતા ત્યારે ફર્નિચર ધ્રુજવા લાગ્યું. અમે સીડીઓ પરથી નીચે ઉતર્યા અને રસ્તા પર પહેલાથી જ બીજા લોકોને જોયા હતાં.

યુનુસના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી હતી અને તેમણે વિભાગોને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવા નિર્દેશ આપ્યો હતો.

 

LEAVE A REPLY