પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં હવે જિદ્દી, વંશવાદી રૂઢીચૂસ્તો ખુલ્લેઆમ વિદેશીઓ, ખાસ કરીને અમેરિકન ભારતીય વંશવાદી અભિગમ દાખવી રહ્યા છે. તેનો એક તાજો દાખલો છે એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલનો. કાશ પટેલે પોતાના એક્સ પ્લેટફોર્મના મંચના માધ્યમથી પોતાના સમર્થકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે, સોશિયલ મીડિયા ઉપર તેના પ્રતિભાવો ધાર્યા મુજબના નહીં પણ તકલીફ વાળા, દ્વેષપૂર્ણ પણ આવ્યા હતા.

કટ્ટર જમણેરી ખ્રિસ્તી રાષ્ટ્રવાદી અને શ્વેત રાષ્ટ્રવાદી તત્ત્વોએ તેમની પોસ્ટના પ્રતિભાવમાં ધિક્કારભર્યા મીમ્સ અને નિવેદનોનો ધોધ વહાવ્યો હતો. એક કટ્ટર-જમણેરી પાદરીએ લખ્યું, “તમારા વતન પાછા જાવ અને તમારા રેતના રાક્ષસોની પૂજા કરો,” અન્ય એકે લખ્યું હતું કે, “મારા દેશમાંથી રવાના થઈ જાઓ.” બીજા એક યુઝરે કહ્યું, “આ અમેરિકા છે. અમે આવું નથી કરતા.” આ પ્રત્યુત્તરો, જેમાંથી કેટલાક લાખો વખત જોવાયા હતા, તે તો બાકીનાની તુલનાએ પ્રમાણમાં નરમ હતા.

અમેરિકાના સંયુક્ત રાષ્ટ્રો ખાતેના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલી, રાષ્ટ્રપતિપદના ભૂતપૂર્વ ઉમેદવાર વિવેક રામાસ્વામી અને સિવિલ રાઇટ્સના આસિસ્ટન્ટ એટર્ની જનરલ હરમીત ધિલ્લોને X પર પાઠવેલી દિવાળીની શુભેચ્છાઓના પણ આવા જ દ્વેષપૂર્ણ પ્રતિભાવો જણાયા હતા. આ ઉપરાંત, વ્હાઇટ હાઉસ, સ્ટેટ ડિપાર્ટમેન્ટ, ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબટ અને અર્કાન્સાસના ગવર્નર સારાહ હકબી સેન્ડર્સની રજાઓ વિશેની પોસ્ટ્સ પછી પણ લગભગ આવી જ પ્રતિક્રિયાઓ આવી હતી.

રીપબ્લિકન્સના સમર્થકો એવા કેટલાક ભારતીય-અમેરિકન રૂઢિચુસ્તોને એ વાતે આઘાત લાગ્યો છે કે રાજકીય જમણેરીઓના ચોક્કસ વર્ગો હવે તેમને પણ નિશાન બનાવી રહ્યા છે. ચૂંટણીની રાત્રે ડેમોક્રેટ્સે જંગી વિજય મેળવ્યા પછી રામાસ્વામીએ રીપબ્લિકન્સને “ઓળખની રાજનીતિ બંધ કરવા” સલાહ આપતા કહ્યું કે “અમને તમારી ત્વચાના રંગ કે તમારા ધર્મની પરવા નથી. અમને તમારા ચારિત્ર્યના ગુણોની પરવા છે.” એક X યુઝરે કહ્યું કે ભારતીયોનું અસ્તિત્વ હવે તેમને અરુચિકર લાગે છે, ત્યારે દાયકાઓથી અશ્વેત અમેરિકનો વિરુદ્ધ જાતિવાદ ફેલાવી જમણેરી ટીકાકાર દિનેશ ડી’સોઝાએ કહ્યું હતું કે,”૪૦ વર્ષની કારકિર્દીમાં, મેં આ પ્રકારના ઠાલા દ્વેષનો ક્યારેય સામનો કર્યો નથી. જમણેરીઓ ક્યારેય આ રીતે વાત કરતા નહોતા. તો પછી આપણી તરફથી કોણે આ પ્રકારના ઘૃણાસ્પદ અપમાનને કાયદેસર બનાવ્યું છે?”

એક સમયે ખાસ મહત્ત્વના નહીં એવા લોકોની વધતી લોકપ્રિયતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ દરેક પ્રકારના ઇમિગ્રેશન પર આક્રમક રીતે કાર્યવાહી કરતાં તેમના અમેરિકાને ફરી મહાન બનાવવાની ઘેલછામાં રાચતા તેમના MAGA સમર્થકો હવે ખુલ્લેઆમ સૂચવી રહ્યા છે કે હવે માત્ર ગોરા ખ્રિસ્તીઓ જ અમેરિકન છે.

ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક ડાયલોગના સંપાદકીય મેનેજર અને વિશ્લેષક સિદ્ધાર્થ વેંકટરામકૃષ્ણને કહ્યું હતું કે, આ પ્રકારના અભિગમને કોંગ્રેસ (અમેરિકાની સંસદનું નીચલુ ગૃહ) થકી જ પ્રોત્સાહન, ઉત્તેજન મળે છે. સિદ્ધાર્થ ઓનલાઇન ભારત-વિરોધી ધિક્કારભરી વાણીની તપાસ કરે છે.

અમેરિકામાં અને સમગ્ર વિશ્વમાં ઈમિગ્રેશન વિરોધી ચળવળનું મુખ્ય ટાર્ગેટ ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ભારતીય-અમેરિકનો—અથવા ભારતીય તરીકે માનવામાં આવતી કોઈપણ વ્યક્તિ છે. છેલ્લા એક વર્ષમાં, સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝ્ડ હેટના સંશોધકોએ X પર ભારત-વિરોધી ઉશ્કેરાટમાં ઉછાળો અનુભવ્યો છે જે અટકવાના કોઈ સંકેતો દેખાતા નથી. કેન્દ્રના સ્થાપક અને કાર્યકારી નિર્દેશક રકીબ નાઇકે જણાવ્યું હતું કે તેમની ટીમે માત્ર ઓક્ટોબરમાં ભારતીયો અને ભારતીય-અમેરિકનો વિરુદ્ધ જાતિવાદ અને ઝેનોફોબિયાને પ્રોત્સાહન આપતી લગભગ ૨,૭૦૦ પોસ્ટ્સ રેકોર્ડ કરી છે. તેમાંથી ઓછામાં ઓછું કંઈક અંશે ઈલોન મસ્કના પ્લેટફોર્મના ફેરફારની અસરો તરીકે ખપાવી શકાય છે. વંશીય સામગ્રી જે અગાઉ કન્ટેન્ટ મોડરેટર્સ દ્વારા નિયંત્રિત કરાતી તેને હવે મસ્કે પદ સંભાળ્યું ત્યારથી વધુ વિસ્તૃત અને પ્રોત્સાહિત થઈ રહી છે. (X દ્વારા ટીપ્પણીનો કોઈ જવાબ અપાયો નહોતો.)

જો કે, ઓનલાઇન સૌથી વધુ એકધારો ભારત-વિરોધી ધિક્કાર H-1B વિઝા કાર્યક્રમ પરત્વે કેન્દ્રિત છે, કારણ કે તે વિઝા સૌથી મોટા લાભાર્થી ભારતીયો છે, એમ નાઇક અને અન્ય સંશોધકોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ, જે વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરવા માટે અત્યંત કુશળ વિદેશીઓને યુએસમાં પ્રવેશ આપે છે, તેણે ટ્રમ્પ સમર્થકોમાં આંતરિક વિવાદ ઊભો કર્યો છે, તેમાં સ્ટીફન મિલર જેવા વિઝા વિરોધીઓએ ભારત પર “ઇમિગ્રેશન નીતિઓમાં ઘણી છેતરપિંડી” કરવાનો આરોપ મુક્યો હતો. જો કે ટ્રમ્પનું વલણ આ મુદ્દે બદલાતું રહ્યું છે, તેમણે તાજેતરમાં $૧૦૦,૦૦૦ ની અરજી ફી લાદીને H-1B વિઝાનો ઍક્સેસ ખૂબજ નિયંત્રિત કર્યો છે.

કટ્ટર-જમણેરી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને કાર્યકરો હવે ભારતીય ઇમિગ્રન્ટ્સને નિયમિતપણે ખટપટિયા તરીકે રજૂ કરી તેમને અમેરિકનોને ઊંચા પગારની જોબ્સથી વંચિત કરનારા તરીકે ચિતરી રહ્યા છે અને તેમની અમેરિકામાંથી હકાલપટ્ટીની હાકલ પણ કરે છે. તેઓ ભારતીયો સામે તેમની જાતિ કે વંશીયતાના ધોરણે જ ભરતી કરવાનો આરોપ મૂકે છે, તેમને ગંદા કે દુર્ગંધયુક્ત ગણાવે છે અને હાથેથી ભોજન લેવાની તેમની જીવન શૈલિને સાંસ્કૃતિક પછાતપણું ગણાવે છે.

માત્ર કટ્ટર-જમણેરી ટ્રોલ્સ જ આ રૂઢિઓનો ઉપયોગ કરતા નથી—તાજેતરની ન્યૂ યોર્ક સિટી મેયરની રેસ દરમિયાન, ભૂતપૂર્વ ડેમોક્રેટિક ગવર્નર એન્ડ્રુ કુઓમોની સ્વતંત્ર ઝુંબેશે પણ એક AI-જનરેટેડ હુમલાની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી (પછી ઝડપથી કાઢી નખાઈ હતી), જેમાં ઝોહરાન મામદાણીને અસભ્ય રીતે હાથેથી ભાત ખાતા દર્શાવ્યા હતા.
દક્ષિણ એશિયનોને લક્ષ્ય બનાવતા અપશબ્દો હવે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સામાન્ય બોલચાલમાં, ભાષામાં પ્રવેશી રહ્યા છે. જાહેર સ્થળોએ ભારતીય સમુદાયના લોકોને પસંદગીપૂર્વક દર્શાવતા ફોટા અને વીડિયો “આક્રમણ” ના પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે, જે “શ્વેત બદલાવ સિદ્ધાંત”નું અનન્ય પુનરાવર્તન છે. આ વલણો શૂન્યાવકાશમાં પેદા નથી થતા.

સાન્ટા ક્લારા યુનિવર્સિટીના પ્રોફેસર રોહિત ચોપરાએ જણાવ્યું હતું કે, વંશીય અને આર્થિક ફરિયાદોના આ બેકગ્રાઉન્ડ સામે, ભારતીય-અમેરિકનોની સફળતા અને વગ તેમને એક સરળ ટાર્ગેટ બનાવે છે. પ્યુ રીસર્ચ સેન્ટર વસ્તી ગણતરીના ડેટાના વિશ્લેષણ મુજબ, ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ભારતીય-અમેરિકનો અમેરિકામાં સૌથી વધુ કમાતા વંશીય જૂથોમાંના એક છે. તેઓ ટોચના સરકારી હોદ્દાઓ પર પહોંચ્યા છે અને અબજો ડોલરની કંપનીઓના સીઈઓ છે. તેઓ મીડિયા, મનોરંજન, ટેક્નોલોજી, વ્યવસાય, દવા અને શિક્ષણના ઉચ્ચતમ સ્તરે રજૂ થાય છે. “ભારતીય સમુદાયની જાહેર છબી મૂળભૂત રીતે આ સફળ ટેક પ્રોફેશનલ્સ અને સીઈઓની રહી છે,” એમ ચોપરાએ કહ્યું હતું.​

LEAVE A REPLY