નોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટમાં આવેલા વેમ્બલી સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાન કે ગુટખા ખાઇને થૂંકવાના બનાવોને પગલે ટેલિફોન બોક્સ, થાંભલાઓ, ફૂટપાથ અને ફ્લાવર બેડ્સને સાફ કરવા પાછળ દર વર્ષે £30,000થી વધુ ખર્ચ કરવો પડે છે.
આ ન્યુસન્સ માટે સાઉથ-ઇસ્ટ એશિયન સમુદાયના ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશી મૂળના લોકોને જવાબદાર માનવામાં આવે છે અને બ્રેન્ટ વિસ્તારમાં રહેતા ખુદ સાઉથ-ઇસ્ટ એશિયન સમુદાયના લોકોમાં આ બાબતે વ્યાપક ગુસ્સો જોવા મળી રહ્યો છે.
બ્રેન્ટ કાઉન્સિલે આ સમસ્યાના નિવારણ માટે ‘ઝીરો ટોલરન્સ અભિગમ’ અપનાવવાનો સંકલ્પ કર્યો છે. કાઉન્સિલના સત્તાધિશો કહે છે કે, આવા પાન-ગુટખા ખાવાથી ‘આરોગ્ય અને પર્યાવરણને માત્ર ગંભીર નુકસાન જ નહીં’ પરંતુ તેને સાફ કરવા માટે દર વર્ષે 30,000 પાઉન્ડથી વધુનો ખર્ચ પણ થાય છે.
સ્થાનિક સત્તાધિશોનો દાવો છે કે, જાહેર રસ્તાઓ પર પાન – ગુટખા ખાઇને થુંકવાના કારણે ઠેર-ઠેર પડેલા ડાઘ સંપૂર્ણ કાઢવાનું લગભગ અશક્ય બની ગયું છે, તેને ‘આધુનિક ક્લિનિંગ જેટ’થી પણ દૂર કરી શકાતા નથી. આ સમસ્યાના નિવારણ માટે બ્રેન્ટ કાઉન્સિલે જ્યાં આવી પિચકારીઓ અને ગંદકી વધુ જોવા મળે છે તેવા બરોમાં આવેલ ત્રણ મહત્વની જગ્યાએ પાન-ગુટખા ખાઇને થૂંકવા અંગે સમજ આપતા બેનરો પણ મુક્યા છે.
આવા બનાવો અને ગંદકીને રોકવા આ વિસ્તારોમાં અધિકારીઓનું પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. જે લોકો થૂંકતા પકડાશે તેમને 100 પાઉન્ડ સુધીનો દંડ પણ ભરવો પડશે.
કેબિનેટ મેમ્બર ફોર પબ્લિક એન્ડ એન્ફોર્સમેન્ટ, કાઉન્સિલર કૃપા શેઠે જણાવ્યું હતું કે, ‘મને ખુશી છે કે અમે અમારા વિસ્તારમાં ગંદકી ફેલાવનારાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સ અભિગમ જાળવી રાખીએ છીએ, જેઓ પાનની પિચકારી મારે છે અને રસ્તા ગંદા કરે છે તેમને અમે પકડીશું અને દંડ પણ ફટકારીશું.’












