
ફૂટબોલના જાદૂગર ગણાતા લિયોનેલ મેસીના ભારતના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત રવિવાર, 13 ડિસેમ્બરે તોડફોડ અને ધમાલ સાથે થઈ હતી. કોલકાતાના એક કાર્યક્રમમાં રૂ.10,000 સુધીની ટિકિટ ખરીદ્યા પછી પણ આશરે 50,000 ચાહકોને તેની એક ઝલક પણ જોવા ન મળતાં ચાહકો રોષે ભરાયાં હતાં અને સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે તોડફોડ કરી હતી. સ્ટેડિયમમાં ભારે અરાજકતાને કારણે આયોજકોએ મેસીને નિશ્ચિત સમય કરતા ઓછા સમયમાં સ્ટેડિયમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની ફરજ પડી હતી. સ્ટેડિયમમાં અરાજક્તા બદલ કોલકાતા પોલીસે ઈવેન્ટના આયોજકની ધરપકડ કરી હતી અને ચાહકોને ટિકિટના પૈસા પાછા આપવાની જાહેરાત કરી હતી.
કોલકાતા પ્રોગ્રામમાં ધમલા થઈ હોવા છતાં મેસીની ‘જીઓએટી ટુર ટુ ઈન્ડિયા 2025’નો કાર્યક્રમ આગળ વધ્યો હતો. આર્જેન્ટિનાની વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન લિયેનોલ મેસીએ 14 વર્ષ પછી ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યો હતો. મેસીના આગમન માટે કોલકાતામાં તેના ચાહકોમાં જબરજસ્ત ઉત્સાહ હતો.
અગાઉ મેસીએ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સાથે વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ ખાતે તેની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
લિયોનેલ મેસીએ સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચતા ચાહકોએ તાળીઓ સાથે તેનું સ્વાગત કર્યું હતું. પરંતુ થોડીક જ મિનિટોમાં મેસી અને તેના સાથી ખેલાડીઓ નેતાઓ, વીવીઆઈપી લોકોથી ઘેરાઈ ગયા હતા. તેઓ તેમની સાથે સેલ્ફી લેવા લાગ્યા હતાં. પરંતુ ચાહકોને એક ઝલક પણ મળી ન હતી. સ્ટેડિયમમાં ખુરશીઓ તોડાઈ, ફેન્સિંગ ગેટ તોડીને લોકો મેદાનમાં ઘૂસી ગયા, સજાવટ અને સંપત્તિને નુકસાન પહોંચાડયું, બેનરો તોડી નાંખ્યા હતાં.
કોલકાતાના કાર્યક્રમના ફિયાસ્કા પછી તે હૈદરાબાદ પહોંચ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મેસીનો કાર્યક્રમ સુપરહીટ રહ્યો હતો. મેસી લગભગ એક કલાક સુધી સ્ટેડિયમમાં રહ્યો હતો. ફ્રેન્ડી ફૂટબોલ મેચ રમ્યો હતો અને આ મેચમાં ભાગ લેનારા ખેલાડીઓને ટ્રોફી પણ આપી હતી. મેસીએ મેચના અંતે રાહુલ ગાંધીને આર્જેન્ટિનાની ફૂટબોલ જર્સી ભેટમાં આપી હતી.













