
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી હોલિડેની ઉજવણી દરમિયાન રવિવાર, 14 ડિસેમ્બરે બે બંદૂકધારીઓએ કરેલા ધડાધડ ફાયરિંગમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયાં હતાં અને 40 લોકો ઘાયલ થયાં હતાં. આશરે 10 મિનિટ સુધી થયેલા ફાયરિંગને પગલે ઘટનાસ્થળે મૃતકો અને ઘાયલોના ઢગલા થઈ ગયાં હતાં. ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ તેને આતંકવાદી હુમલો જાહેર કર્યો હતો.પોલીસે એક બંદૂકધારીને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને બીજાની ધરપકડ કરી હતી.
બે કથિત બંદૂકધારીઓ પિતા અને પુત્ર હતાં. પિતા અને પુત્રની ઓળખ અનુક્રમે સાજિદ અકરમ અને નવીદ અકરમ તરીકે થઈ હતી. આ ઘટનામાં ૫૦ વર્ષીય હુમલાખોર પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જેના કારણે મૃતકોની સંખ્યા ૧૬ થઈ ગઈ હતી. તેનો ૨૪ વર્ષનો પુત્ર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિશ્વના નેતાઓએ આ હુમલા અંગે આઘાત અને શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે તેઓ ભયાનક હુમલા વિશે અપડેટ લઈ રહ્યાં છે. લંડનમાં પોલીસે યહૂદી સ્થળોએ સુરક્ષા વધારી હતી.
ઓસ્ટ્રેલિયામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અત્યંત દુર્લભ છે, તેથી આ હુમલાથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો.
યહૂદીઓના આઠ દિવસના હનુક્કાહ ઉત્સવના પ્રારંભે બોન્ડી બીચ પર સેંકડો લોકો એકઠા થયાં હતાં. આ ઘટનાના એક વીડિયો ફૂટેજમાં બે બંદૂકધારીઓ લાંબી બંદૂકો સાથે પુલ પરથી ગોળીબાર કરતા દેખાયા હતાં. ફાયરિંગને પગલે લોકોમાં નાસભાગ મચી હતી. ઘણા લોકોએ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના પોલીસ કમિશનર માલ લેન્યોને જણાવ્યું હતું કે શંકાસ્પદ આતંકીની હાલત ગંભીર હતી. બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે તેમનું ઓપરેશન ચાલુ છે અને અધિકારીઓ અનેક શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરી રહ્યા છે, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિની કારમાંથી મળી આવેલા અનેક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો(આઇડી)નો પણ સમાવેશ થાય છે.
છેલ્લા એક વર્ષથી દેશભરમાં શ્રેણીબદ્ધ યહૂદી વિરોધી હુમલાઓઓ પછી ઓસ્ટ્રેલિયાના સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ગણાતા આ બીચ પર હત્યાકાંડ સર્જાયો હતો. જોકે અધિકારીઓએ રવિવારના હુમલા અને યહૂદી વિરોધી હુમલા વચ્ચે કનેક્શનનો ઇનકાર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે તેને દુષ્ટતાપૂર્ણ, યહૂદી વિરોધી, આતંકવાદનું કૃત્ય ગણાવીને આકરી નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હનુક્કાહના પહેલા દિવસે યહૂદી ઓસ્ટ્રેલિયનો પરનો આ ટાર્ગેટેડ હુમલો હતો. અધિકારીઓ હુમલામાં સંડોવાયેલા દરેકને ઓળખવા માટે કામગીરી કરી રહ્યા છે. આજે પરિવારો જે આઘાત અને નુકસાનનો સામનો કરી રહ્યા છે તે ખરાબ સ્વપ્ન સમાન છે. હિંસા અને નફરતના આ ઘૃણાસ્પદ કૃત્ય વચ્ચે અમે તેને નાબૂદ કરીશું.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના વડા ક્રિસ મિન્સે જણાવ્યું હતું કે સિડનીના યહૂદી સમુદાયને ટાર્ગેટ કરીને આ હુમલો કરાયો હતો. તેમાં વપરાયેલા શસ્ત્રોને કારણે તેને આતંકવાદી હુમલો જાહેર કરાયો છે.













