
સિડનીના બોન્ડી બીચ પર રવિવાર, 14 ડિસેમ્બરે એક યહૂદી ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બે બંદૂકધારીઓએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયાં હતાં. બંદૂકધારીઓએ ઓછામાં ઓછા 50 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે. પોલીસે જણાવ્યું છે કે જવાબી ગોળીબારમાં એક બંદૂકધારીનું મોત થયું હતું અને પોલીસ સહિત લગભગ 11 લોકો ઘાયલ થયાં હતાં.
હનુક્કા ફેસ્ટિવલમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો બીચ પર એકત્ર થયાં હતાં. હુમલા બાદ બીચ પર ભારે નાસભાગ અને ગભરાટ ફેલાયો હતો. ઘણા ઈજાગ્રસ્તો જમીન પર ઢળી પડ્યાં હતાં. પોલીસે સમગ્ર વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા એલર્ટ જાહેર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું હતું હતું કે બોન્ડીના દ્રશ્યો આઘાતજનક અને દુઃખદ છે. પોલીસ અને ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ જીવન બચાવવા માટે કાર્યવાહી ચાલુ કરી હતી. મારી સંવેદના દરેક અસરગ્રસ્ત વ્યક્તિ સાથે છે. મેં હમણાં જ AFP કમિશનર અને NSW પ્રીમિયર સાથે વાતચીત કરી છે. અમે NSW પોલીસ સાથે કામ કરી રહ્યા છીએ અને વધુ માહિતીની પુષ્ટિ થતાં વધુ અપડેટ્સ આપીશું
મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. NSW પોલીસ વિભાગે ઘટના મામલે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ફાયરિંગ પછી બે હુમલાખોરોની અટકાયત કરાઈ હતી.













