નવી દિલ્હી સ્થિત અમેરિકાના દૂતાવાસે યુએસ ટૂરિસ્ટ વિઝા (B-1/B-2) મેળવવા માંગતા ભારતીય અરજદારોને સ્પષ્ટ અને કડક ચેતવણી આપતાં રવિવાર, 13 ડિસેમ્બરે જણાવ્યું હતું કે જો તેઓ બર્થ ટુરિઝમ માટે અમેરિકા જઈ રહ્યાં છે તેવી શંકા પડશે તો તેમની વિઝા અરજીને તાત્કાલિક નકારી કાઢવામાં આવશે.
અમેરિકી દૂતાવાસે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકામાં મુસાફરીનો મુખ્ય હેતુ બાળકને જન્મ આપી તેને યુએસ નાગરિકતા અપાવવાનો છે તેવી અધિકારીઓને શંકા પડશે તો પણ તેઓ અરજદારોના ટુરિસ્ટ વિઝા નકારી કાઢશે. આવા બર્થ ટુરિઝમને માન્યતા અપાયેલી નથી.
આ વોર્નિંગમાં યુએસ વિઝા નિયમોમાં 2020માં કરાયેલા સુધારાને ટાંકવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ કોન્સ્યુલર અધિકારીઓ બર્થ ટુરિઝમની શંકા લાગે તો તેઓ B-1/B-2 વિઝિટર વિઝા અરજીઓને નકારી શકે છે.
એપ્રિલમાં અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે નવજાત શિશુ માટે નાગરિકતા મેળવવા માટે યુએસ ટુરિસ્ટ વિઝાનો ઉપયોગ કરવાથી માત્ર સિસ્ટમનો દુરુપયોગ થતો નથી પરંતુ અમેરિકન કરદાતાઓ પર તબીબી ખર્ચનો બોજો પડે છે. વિદેશી માતા-પિતા માટે બાળક માટે નાગરિકતા મેળવવા માટે અમેરિકામાં જન્મ આપવાના પ્રાથમિક હેતુ માટે યુએસ ટૂરિસ્ટ વિઝાનો ઉપયોગ અસ્વીકાર્ય છે. તેનાથી અમેરિકન કરદાતાઓ પર તબીબી સંભાળના ખર્ચનો બોજ પડે છે.














