ગ્રીન કાર્ડ
પ્રતીકાત્મક તસવીર

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી અને એમઆઇટીમાં તાજેતરમાં ફાયરિંગની ઘટના પછી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બહચર્ચિત ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ સ્થગિત કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ આ બંને ઘટનાનો શકમંદ વ્યક્તિ અમેરિકામાં આવ્યો હોવાનું બહાર આવ્યા પછી તંત્રે આ મોટો નિર્ણય કર્યો હતો.
હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે સોશિયલ પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પના આદેશ પર તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસને આ કાર્યક્રમ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. શંકાસ્પદ પોર્ટુગીઝ નાગરિક ક્લાઉડિયો નેવેસ વેલેન્ટ અંગે તેમણે જણાવ્યું હતું કે આવા ક્રુર વ્યક્તિને આપણા દેશમાં ક્યારેય પ્રવેશવાની મંજૂરી ન હોવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા ફાયરિંગમાં બે વિદ્યાર્થીના મોત થયાં હતાં અને બીજા નવ ઘાયલ થયા હતા. એમઆઇટી પર થયેલા હુમલામાં તેના પ્રોફેસરનું મોત થયું હતું. આ બંને હુમલાના કેસમાં 48 વર્ષીય નેવેસ વેલેન્ટ શંકાસ્પદ હતો. વેલેન્ટનો ગત ગુરુવારે મૃતદેહ મળ્યો હતો.

ગ્રીનકાર્ડ લોટરી પ્રોગ્રામ ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ તરીકે પણ ઓળખાય છે. આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે લોટરી દ્વારા આશરે 50,000 ગ્રીન કાર્ડ એવા દેશોના લોકોને ઉપલબ્ધ કરવામાં આવે છે કે જેઓ અમેરિકામાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ લોટરી પ્રોગ્રામ સંસદે શરૂ કર્યો હતો. ટ્રમ્પના નિર્ણયને કોર્ટમાં પડકારાશે તે લગભગ નક્કી છે. 2025માં આ પ્રોગ્રામ હેઠળ આશરે 2 કરોડ લોકોએ અરજી કરી હતી. તેમાંથી લોટરી સિસ્ટમ હેઠળ જીવનસાથી સહિત આશરે 1.31 લાખ લોકોની પસંદગી કરાઈ હતી અને તેમને ગ્રીનકાર્ડ માટે અરજી કરવાનું આમંત્રણ અપાયું હતું.

LEAVE A REPLY