ગુજરાતના જામનગરમાં વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત દરમિયાન આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી, રોડ્રિગો ડી પોલ, ઉરુગ્વેના ફૂટબોલર લુઈસ સુઆરેઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ સાથે 'આરતી' કરે છે.(Vantara via PTI Photo)

આર્જેન્ટિનાના ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીએ તેની GOAT ઇન્ડિયા ટુર દરમિયાન ગુજરાતના જામનગરમાં આવેલા વન્યજીવન બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારના આમંત્રણ પર મંગળવારે સાંજે મેસ્સી તથા સાથી ફૂટબોલ ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ વનતારા પહોંચ્યા હતાં.

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલા વન્યજીવન સેન્ટરમાં મેસ્સીએ લટાર મારી હતી. ત્રણેય ફૂટબોલ સ્ટાર્સે વનતારામાં આવેલા એક મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન મેસ્સીએ વાઘ, હાથી અને સિંહ સહિતના વન્યજીવનનું નિરીક્ષણ કર્યું હતું અને સંભાળ રાખનારાઓ અને સંરક્ષણ ટીમો સાથે વાતચીત કરી હતી.

અહીં તેમનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો, જેમાં અંબે માતાની પૂજા, ગણેશજીની પૂજા, હનુમાનજીની પૂજા અને શિવ અભિષેક સામેલ હતાં. આ તમામ વિધિઓ દરમિયાન વિશ્વશાંતિ અને એકતાની પ્રાર્થના કરાઈ હતી. તેમણે ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ અને વિશ્વના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY