પ્રેસિડેન્ટ ટ્રમ્પનું તંત્ર હવે અમેરિકામાં વ્હાઈટ (ગોરા) નાગરિકોને કામના સ્થળે તેમની સાથે ભેદભાવ કરાતો હોય તો એવા કિસ્સામાં કાનૂની કાર્યવાહી – કેસ કરવા પ્રોત્સાહન આપી રહ્યું છે, જે દેખિતી રીતે અગાઉની સરકારોએ લઘુમતી સમુદાયના લોકોને યોગ્ય અને ન્યાયી તકો માટે શરૂ કરેલી વૈવિધ્ય (ડાયવર્સિટી), ઈક્વિટી (સમાનતા) અને સમાવિષ્ટતા (ઈન્ક્લુઝન) – ડીઈઆઈ પહેલોને નિષ્ફળ બનાવવાની ટ્રમ્પ તંત્રની પહેલમાં એક વધુ પગલું છે.
ટ્રમ્પ તંત્રના ઈક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપરચ્યુનિટી કમિશનની કાર્યવાહક ચેરપર્સન, આન્દ્રે લુકાસે ગયા સપ્તાહે એકસ ઉપર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “કામના સ્થળે પોતાના સમુદાયના તથા જાતી (સ્ત્રી કે પુરૂષ) આધારે તમને ભેદભાવનો અનુભવ થયો હોય તેવા તમે વ્હાઈટ મેલ (વ્હાઈટ પુરૂષ) છો?”
“ફેડરલ સિવિલ કાયદા અંતર્ગત તમને નુકશાનનું વળતર મેળવવા દાવો કરવાની તક છે,” એમ તેમણે લખ્યું હતું.
“ઈઈઓસી વંશીય અને જાતીય ધોરણે થતા તમામ ભેદભાવના કેસો ઓળખી કાઢવા, તેના ઉપર પ્રહાર કરવા અને તે નાબુદ કરવા પ્રતિબદ્ધ છે – તેમાં વ્હાઈટ પુરૂષો અને અરજદારો સામેના ભેદભાવનો પણ સમાવેશ થાય છે.”
ઈઈઓસી સિવિલ રાઈટ્સ એક્ટ, 1964ની જોગવાઈઓ અનુસાર સ્થાપિત એક એજન્સી છે, જેની કામગીરીમાં કામના સ્થળે સેક્સીઝમ અને રેસિઝમ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ વ્યાપક કાયદાનો મૂળ હેતુ બ્લેક (અશ્વેત) અમેરિકન્સ પ્રત્યેનો ભેદભાવ નાબૂદ કરવાનો હતો. પણ જાન્યુઆરી, 2025માં બીજીવાર સત્તા ઉપર આવ્યા પછી ટ્રમ્પના પ્રયાસો સમગ્ર ફેડરલ તંત્રમાં ડીઈઆઈ કાર્યક્રમો નાબૂદ કરવાના રહ્યા છે અને આવી નીતિ બહુમતી વ્હાઈટ અમેરિકનો માટે નુકશાનકારક હોવાનો દાવો કરી તેનો અમલ કરી રહેલા ખાનગી ક્ષેત્રના કોર્પોરેટ્સને ધમકી પણ આપી રહ્યા છે.
હવે લુકાસની આગેવાની હેઠળનું ઈઈઓસી કથિત રીતે અમેરિકન કામદારો પ્રત્યેના ભેદભાવોનો મુદ્દો બનાવી તેની સામે લડત આપવા સજ્જ છે.













