મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની તરફેણમાં નિર્ણાયક ચુકાદો આપ્યો આવ્યો હતો. રાજ્યભરની નગર પરિષદો અને નગર પંચાયતોમાં સત્તારૂઢ ગઠબંધનને બહુમતી મળી હતી. તેનાથી શાસક છાવણીમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો અને વિપક્ષે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતાં.
નગરપંચાયત અને નગર પરિષદની કુલ 288 બેઠકોમાંથી મહાયુતિને 2017 બેઠકો મળી હતી, જ્યારે MVAને માત્ર 49 બેઠકો મળી હતી. મહાયુતિમાં ભાજપને સૌથી વધુ 118, શિવસેનાને 59 અને અજિત પવારની એનસીપીને 37 બેઠકો મળી હતી. MVAમાં કોંગ્રેસને 32 બેઠકો મળી હતી.
રાજ્ય ચૂંટણી પંચ રિઝલ્ટની સત્તાવાર જાહેરાત કરે તે પહેલા શાસક મહાયુતિ ગઠબંધને પ્રચંડ જનાદેશનો દાવો કર્યો હતો. બીજી તરફ વિપક્ષ MVAએ ઇવીએમમાં ચેડાં થયા હોવાનો આક્ષેપ કરીને હાર સ્વીકારી લીધી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ભાજપે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એક રેકોર્ડ બનાવ્યો છે. ભાજપના પ્રતિક પર 48 ટકા કાઉન્સિલરો જીત્યા છે અને 129 મ્યુનિસિપલ કાઉન્સિલોમાં તેના ઉમેદવારો પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ભાજપ ફરી એકવાર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો છે. 75 ટકા સ્થાનિક સંસ્થાઓમાં મહાયુતિના ઉમેદવારો મ્યુનિસિપલ પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
મહાયુતિના ઘટક પક્ષો ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી કેટલીક જગ્યાએ એકબીજા સામે લડ્યાં હતાં. મહા વિકાસ આઘાડીના ઘટકો પક્ષો શિવસેના (યુબીટી), એનસીપી (એસપી) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તેમજ ફ્રેન્ડલી ફાઇટ થઈ હતી.
વિપક્ષ કોંગ્રેસ અને શિવસેના (UBT)એ ચૂંટણીમાં હાર સ્વીકારી લીધી હતી અને ચૂંટણી પંચ પર શાસક મહાયુતિની જીતમાં સહાયક બનાવનો આક્ષેપ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સપકલે ચૂંટણીમાં શાસક મહાયુતિ ગઠબંધનને મદદ કરવા બદલ રાજ્ય ચૂંટણી પંચને અભિનંદન પાઠવ્યાં હતાં. શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મહાયુતિની જીત માટે ઇવીએમ સાથે છેડછાડને જવાબદાર ગણાવીને જણાવ્યું હતું કે વિપક્ષ પૈસાના વરસાદ સામે ટકી શકે નહીં.













