નકસલવાદથી પીડિત છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં શુક્રવારે કુલ 63 નક્સલીવાદીઓએ હિંસક પ્રવૃત્તિ છોડીને આત્મસમર્પણ કર્યું હતું. આ પૈકીના 36 નક્સલીઓ પર સરકાર દ્વારા કુલ રૂપિયા 1.19 કરોડથી વધુના ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા. દંતેવાડા જિલ્લાના પોલીસ વડા ગૌરવ રાયે જણાવ્યું કે આત્મસમર્પણ કરનાર 63 નક્સલીઓમાં 18 મહિલા નક્સલી સામેલ છે. આ તમામ નક્સલીઓએ ‘પૂના માર્ગેમ’ (પુનર્વસનથી સામાજિક પુનઃસમાવેશ) પહેલ અંતર્ગત વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)ના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ નક્સલીઓ રાજ્યના દક્ષિણ બસ્તર વિભાગ, પશ્ચિમ બસ્તર વિભાગ, માડ વિભાગ તેમજ ઓડિશાની સરહદ નજીકના વિસ્તારોમાં સક્રિય હતા.











