REUTERS/Jack Taylor

લંડનમાં મેયર પદની ચૂંટણીના રિફોર્મ યુકેના ઉમેદવાર લૈલા કનિંગહામએ સ્થાનિક બજારોમાં બુરખાના વેચાણ તરફ ઇશારો કરી જણાવ્યું હતું કે લંડનના કેટલાંક વિસ્તારો મુસ્લિમ શહેર જેવા લાગે છે. બુરખો પહેરતી મહિલાઓની પોલીસે રોકીને તપાસ કરવી જોઈએ. ખુલ્લા સમાજમાં ચહેરો ઢાંકવાનું કોઈ સ્થાન નથી. તેમના આવા નિવેદનથી ભારે વિવાદ થયો હતો. મુસ્લિમ જૂથો અને કેટલાંક રાજકીય નેતાઓએ પણ આવા નિવેદનની આકરી ટીકા કરી હતી.

રિફોર્મ યુકેએ 2028માં યોજાનારી લંડનના મેયરની ચૂંટણીમાં કનિંગહામને ગયા સપ્તાહે પોતાના ઉમેદવાર બનાવ્યાં હતાં. સ્ટાન્ડર્ડ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન કનિંગહામે કહ્યું હતું કે મને નથી લાગી રહ્યું કે એક ખુલ્લા અને સ્વતંત્ર સમાજમાં ચેહરો ઢાકવાની કોઇ જરૂર હોય, જો કોઇ પોતાનો ચેહરો છૂપાવી રહ્યું છે તો એવુ માની લેવાનું કે તે કોઇ ગુનાહિત ઇરાદા સાથે આવું કરી રહ્યું છે. હું ચહેરાને ઢાકવા પર પ્રતિબંધ મુકવા માગુ છું.

લંડનમાં 2028માં મેયરની ચૂંટણી યોજાવાની ત્યારે કનિંગહામની આ ટીપ્પણીથી ધાર્મિક મુદ્દો છવાઈ રહેવાની ધારણા છે. અગાઉ કનિંગહામે જણાવ્યું હતું કે લંડને એક બ્રિટિશ શહેર તરીકે જ રહેવું જોઇએ તેને મુસ્લિમ શહેર ના બનાવવું જોઇએ. અનેક મુસ્લિમ દેશોમાં જ બુરખા પર પ્રતિબંધ છે, બુરખો ધાર્મિક નથી, બુરખો પહેરવાની પ્રથા થોપવામાં આવેલી પરંપરાનો હિસ્સો છે, તેને ધર્મ સાથે કઇ જ લેવાદેવા નથી. લંડનમાં વિદેશી ભાષાના સાઇન બોર્ડ અને બુરખા માટે માર્કેટ ખુલી ગયા છે. બ્રિટનમાં માત્ર એક જ સિવિક સંસ્કૃતિ રહેવી જોઇએ અને તે છે બ્રિટિશ સંસ્કૃતિ.

લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા અને વિવિધતાથી લંડનની તાકાત વધે છે, આ તાકાતને ભાગલાવાદી નેતાઓ નુકસાન પહોંચાડી રહ્યા છે.

LEAVE A REPLY