પંજાબના ભટિંડા જિલ્લાના ગુરથરી ગામ નજીક શનિવારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ રોડ ડિવાઇડર સાથે અથડાતાં એક મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ ગુજરાતીના મોત થયાં હતાં. SUVમાં સવાર લોકો ભટિંડાથી ડબવાલી વિસ્તાર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસે જણાવ્યું કે પીડિતોને ભટિંડા સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં. ૨૫ થી ૩૦ વર્ષની વયના મૃતકોની ઓળખ સતીશ, ભરત, અર્જુન, જનક અને અમિતા તરીકે થઈ છે. અમિતા ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત હતી.
અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો વાવ-થરાદ જિલ્લાના છે. જેમની ઓળખ અમિતા કરશનભાઈ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર), અરજણભાઇ સુબાભાઇ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર), ભરતભાઈ અજાભાઇ રાજપૂત (રહે. અછવાડીયા, લાખણી) જનકભાઈ રાજપૂત (રહે. જેતડા, થરાદ) અને સતીષ તરીકે થઈ છે. તમામની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે છે.











