વર્લ્ડ બેન્ક ગ્રુપના ઇન્ડિયન-અમેરિકન વડા અજય બંગાની પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના પુનર્નિર્માણના હેતુથી રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ’ના સભ્ય તરીકે પસંદગી કરી છે. શુક્રવારે વ્હાઇટ હાઉસે બોર્ડના સ્થાપક એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યોની જાહેરાત કરી હતી.
ગાઝા શાંતિ બોર્ડમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, મધ્ય પૂર્વના ખાસ દૂત સ્ટીવ વિટકોફ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર, ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર, એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ ચીફ માર્ક રોવાન અને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રોબર્ટ ગેબ્રિયલનો પણ સમાવેશ કરાયો છે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બોર્ડના સભ્યો ગાઝાના પુનઃનિર્માણ અને ભાવિ સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોની કામગીરીનું નિરીક્ષણ કરશે. સભ્યોની કામગીરીમાં પ્રાદેશિક રાજદ્વારી સંબંધો, ભૌતિક પુનર્નિર્માણ, ખાનગી રોકાણ આકર્ષવા, મોટા ભંડોળ મેળવવા અને મૂડી સંસાધનોને એકત્ર કરવા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.













