ટાપુ
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાગોસ દ્વીપસમૂહનું સાર્વભૌમત્વ સોંપવાના બ્રિટનના સોદાની ટીકા કરી કરતાં જણાવ્યું હતુ કે યુકેનો આ નિર્ણય સંપૂર્ણ નબળાઈ અને મહામૂર્ખતા હતી. ટ્રમ્પની ટિપ્પણીઓના જવાબમાં બ્રિટિશ સરકારે કહ્યું હતું કે આ સોદો રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કરવામાં આવ્યો હતો.

આ ટાપુ મોરેશિયસને સોંપવાના યુકેના સોદાને ગયા વર્ષે વોશિંગ્ટને મંજૂરી આપી હતી. આ સોદામાં યુકેએ 99 વર્ષના લીઝ હેઠળ ડિએગો ગાર્સિયા બેઝનું નિયંત્રણ રાખ્યું છે.

પરંતુ ટ્રમ્પે આ મામલે ગુલાંટ મારીને જણાવ્યું હતું કે “આઘાતજનક રીતે, આપણું ‘તેજસ્વી’ નાટો સાથી, યુનાઇટેડ કિંગડમ, હાલમાં ડિએગો ગાર્સિયા ટાપુ, એક મહત્વપૂર્ણ યુએસ લશ્કરી થાણું સ્થળ, મોરેશિયસને આપવાની યોજના બનાવી રહ્યું છે, અને તે કોઈપણ કારણ વગર કરી રહ્યું છે.

તેમણે ચીન અને રશિયાને ફાયદો થવાનો ઉલ્લેખ કરતાં કહ્યું, “આમાં કોઈ શંકા નથી કે ચીન અને રશિયાએ આ કમજોરીના કામ પર ધ્યાન આપ્યું છે. આ આંતરરાષ્ટ્રીય શક્તિઓ છે જે માત્ર તાકાતને જ ઓળખે છે, એ જ કારણ છે કે મારા નેતૃત્વ હેઠળ અમેરિકાનું માન માત્ર એક વર્ષમાં અગાઉ કરતાં વધુ વધ્યું છે.”

વાસ્તવમાં, મે 2025માં, યુકેએ ચાગોસ ટાપુઓ પરની સાર્વભૌમત્વ મોરિશિયસને સોંપવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ સૌથી મોટા ટાપુ ડિએગો ગાર્સિયાને 99 વર્ષના લીઝ પર લઈ લીધો જેથી ત્યાં સંયુક્ત યુએસ-યુકે સૈન્ય અડ્ડો ચલાવી શકાય. આ સમજૂતી અગાઉની કન્ઝર્વેટિવ સરકાર હેઠળ શરૂ થયેલી લાંબી વાટાઘાટો પછી થઈ હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે 2019માં કહ્યું હતું કે યુકેએ નિયંત્રણ છોડી દેવું જોઈએ.

કન્ઝર્વેટિવ પાર્ટીએ આ સોદાને દેશ માટે નુકસાનકારક ગણાવ્યો હતો. ધ ગાર્ડિયન અનુસાર, યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરે તે સમયે આ સમજૂતીનો બચાવ કરતાં કહ્યું હતું કે આ સોદાનો “કોઈ વિકલ્પ નથી” કારણ કે તે “અમને સુરક્ષિત રાખવા માટે જરૂરી” છે અને તેને “યુનાઇટેડ સ્ટેટ્સ સાથે યુકેના સુરક્ષા સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાંનું એક” ગણાવ્યું હતું.

LEAVE A REPLY