પ્રયાગરાજમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવતા રોકવા અંગેના વિવાદ વચ્ચે મેળા વહીવટીતંત્રે તેમને જ્યોતિષ પીઠના શંકરાચાર્યના પદવી કેવી રીતે મેળવી તે અંગે નોટિસ આપીને ખુલાસો માંગ્યો હતો. રવિવારે સરસ્વતી તેમના સમર્થકો સાથે મૌની અમાવસ્યા નિમિત્તે સંગમમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા હતાં ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા ત્યારે વિવાદ ઊભો થયો હતો. તેનાથી અવિમુક્તેશ્વરાનંદ ધરણા પર બેસી ગયા હતાં.
અવિમુક્તેશ્વરાનંદની શંકરાચાર્યની પદવી અંગે અગાઉથી કાનૂની વિવાદ ચાલે છે. મેળા ઑથોરિટીએ પોતાની નોટિસમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ સિવિલ અપીલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સંદર્ભમાં હજુ સુધી કોઈ આદેશ પસાર કરવામાં નથી આવ્યો, આવી સ્થિતિમાં કોઈપણ ધર્માચાર્ય જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે પટ્ટાભિષેકિત ન થઈ શકે. તેમ છતાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મેળા વિસ્તારમાં લાગેલા તેમના શિબિરના બોર્ડ પર તેમના નામની આગળ ‘શંકરાચાર્ય’ લખ્યું છે. ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને 24 કલાકમાં સુધારવા માટે કહ્યું છે અને તેનું કારણ પણ જણાવવા કહ્યું છે. જોકે આ નોટિસને પગલે ધર્મજગતમાં હોબાળો મચી ગયો હતો.
વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા સ્વામી અવિમુક્તેશ્વરાવિવારે સવારે લગભગ 9:47 વાગ્યે, તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર, ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં સત્તાવાળાએ તેમને પાલખીમાં બેસીને આગળ વધતા રોક્યા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. અનુયાયીઓએ વિરોધ કર્યો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતાં.













