યુકેના લંડન શહેરમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગે 14 વર્ષની શીખ સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. આ ગેંગે સગીરાનું અપહરણ કરી એક ફ્લેટમાં ગોંધી રાખી હતી અને 5-6 લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ ચુંગાલમાંથી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો, પરંતુ વાસનાભૂખ્યા વરુઓએ તેને ધમકાવીને ચૂપ કરી દીધી હતી.
આ ચોંકાવનારી ઘટના અંગે પશ્ચિમ લંડન ખાતે આવેલા ગ્રૂમિંગ ગેંગના એક નરાધમના ફ્લેટને 200 શીખના ટોળાએ ઘેરી લીધો હતો અને કલાકો સુધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સામૂહિક પ્રયાસના કારણે સગીરાનો છુટકારો થયો હતો. શીખ સભ્યોએ કરેલા દાવા મુજબ, પશ્ચિમ લંડનમાં નાની છોકરીઓના અપહરણ અને શોષણની ઘટનાઓ સામાન્ય બની રહી છે.
પાકિસ્તાની ગ્રૂમરના ફ્લેટમાંથી સગીરાને બચાવનારા શીખોએ કરેલા દાવા મુજબ, તેમણે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. આખરે થાકેલા લોકોએ પોતાના સમાજમાં આ ઘટના બાબતે માહિતી પ્રસરાવી હતી અને ટોળાએ ભેગા થઈ ફ્લેટને ઘેરી લીધો હતો. સગીરાને બચાવનારા લોકોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની માણસે તેનું અપહરણ કર્યું હતું અને પોતાના ફ્લેટમાં લઈ ગયો હતો. 5-6 લોકોએ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ તેમની ચુંગાલમાંથી નાસી છૂટવા પ્રયાસ કર્યો ત્યારે તેને એક રૂમમાં પૂરી દેવાઈ હતી. શીખ સમાજની યુવતીઓ પર દમનની આવી ઘટનાઓ અવાર-નવાર પશ્ચિમ લંડનમાં બની રહી હોવાનો દાવો પણ કરાયો છે.













