દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ગ્રીનલેન્ડ પર સંપૂર્ણ કબજો મેળવવા માગે છે, પરંતુ આ હેતુ માટે તેઓ લશ્કરી બળનો ઉપયોગ કરશે નહીં. નાટોએ યુએસના વિસ્તરણને રોકવાનો પ્રયાસ ન કરવો જોઇએ.
નાટોના દેશોને અલ્ટીમેટમ આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે હું બરફનો ટુકડો માંગી રહ્યો છું, ઠંડો અને ખરાબ રીતે સ્થિત. અમેરિકાએ ઘણા દાયકાઓ સુધી યુરોપને જે આપ્યું છે, તેની સરખામણીમાં આ ખૂબ જ નાની માંગ છે. તેથી નાટોએ ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ મેળવવાની અમેરિકાને છૂટ આપવી જોઇએ. નાટોના સભ્ય દેશો હા કહી શકે છે અને અમે ખૂબ આભારી રહીશું અથવા તમે ના કહી શકો છો. જો તમે ના કહેશો તો અમે યાદ રાખીશું.
ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે હું વધુ પડતી તાકાત અને બળનો ઉપયોગ કરવાનો નિર્ણય ન લઉં ત્યાં સુધી અમને કદાચ કંઈ મળશે નહીં. તાકાતમાં અમને કોઇ રોકી શકે તેમ નથી પણ, હું બળનો ઉપયોગ નહીં કરું. ઠીક છે? મારે બળનો ઉપયોગ કરવાની જરૂર નથી. હું બળનો ઉપયોગ કરવા માંગતો નથી. હું બળનો ઉપયોગ પણ નહીં કરું.
ગ્રીનલેન્ડના મુદ્દે તાત્કાલિક વાટાઘાટો શરૂ કરવાનો અનુરોધ કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વિશાળ અસુરક્ષિત ટાપુ ખરેખર તો નોર્થ અમેરિકાનો એક હિસ્સો છે. તે અમારો પ્રદેશ છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમે ગ્રીનલેન્ડ પાછું આપ્યું હતું. અમે કેટલા મૂર્ખ હતાં. હવે તેઓ કેટલાં કૃતઘ્ન બન્યાં છે.
ટ્રમ્પ કેટલાંક સપ્તાહથી ગ્રીનલેન્ડ પર કબજો કરવાની હઠ લઈને બેઠા છે અને જણાવી ચુક્યા છે કે તેઓ કોઇપણ ભોગે ગ્રીનલેન્ડનો કબજો મેળવશે. પરંતુ આ વૈશ્વિક મંચ પર તેમણે તેઓ તેમની યોજનામાં કેવી રીતે આગળ વધવા માગે છે તેની ચોંકાવનારી વિગતો પણ આપી હતી.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુરોપ અને તેના અર્થતંત્રની તુલનામાં અમેરિકા ઝડપથી આગળ વધી રહ્યું છે. મને યુરોપ ગમે છે અને હું યુરોપને સારું થતું જોવા માંગુ છું, પરંતુ તે યોગ્ય દિશામાં જઈ રહ્યું નથી. અમને મજબૂત સાથી દેશોની જરૂર છે, નહી કે ગંભીર રીતે નબળા. અમેરિકા તેજીમાં હોય છે ત્યારે આખી દુનિયા તેજીમાં હોય છે. અમેરિકામાં મંદી હોય ત્યારે વિશ્વભરમાં મંદી હોય છે.
ટ્રમ્પ દાવોસમાં પહોંચે તે પહેલા જ હેડલાઇનમાં ચમકાવા લાગ્યા હતાં. ઇલેક્ટ્રિકલ સમસ્યાને કારણે તેમના એરફોર્સ ફોર્સ વન વિમાને વોશિંગ્ટન પરત ફરવું પડ્યું હતું. તેથી ટ્રમ્પના આગમનમાં વિલંબ થયો હતો. ટ્રમ્પનો કાફલો ભાષણ સ્થળ તરફ એક સાંકડા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાંક સ્કીઅર્સ સહિત દર્શકો રસ્તા પર લાઇનમાં ઉભા હતાં. કેટલાકે અશ્લીલ હરકતો કરી પણ કરી હતી. ટ્રમ્પનું ભાષણ સાંભળવા માટે અબજોપતિઓ અને ઉદ્યોગપતિઓએ પડાપડી કરી હતી. ભાષણ ચાલુ થાય ત્યાં સુધીમાં 1,000ની ક્ષમતાનો હોલ ખીચોખચ ભરાઈ ગયો હતો.













