ગ્રીનલેન્ડને હસ્તગત કરવાના પ્રયાસોને ટેકો ન આપતા યુરોપના દેશો પર ટેરિફ લાદવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના વિરોધમાં યુરોપિયન સંસદે અમેરિકા સાથે વેપાર સોદાને સ્થગિત કરવાનો મોટો નિર્ણય કર્યો હતો. યુરોપના નિર્ણયથી અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઇને યુરોપ પર વધુ ટેરિફ લાદે તેવી આશંકા છે.
ગ્રીનલેન્ડ અને ટેરિફનો ઉલ્લેખ કરીને યુરોપિયન સંસદની વેપાર સમિતિના અધ્યક્ષ બર્ન્ડ લેંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે યુએસ-ઇયુ વેપાર સોદો વધુ નોટિસ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. હવે સત્તાવાર છે. EU-US સોદો આગામી નોટિસ સુધી સ્થગિત છે. અમારી વાટાઘાટ ટીમે ટર્નબેરી સોદાના કાયદેસર અમલીકરણ પર યુરોપિયન સંસદના કાર્યને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અમારું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા દાવ પર છે. હંમેશની જેમ બિઝનેસ કરવાનું અશક્ય બન્યું છે.
મંગળવારે જાહેરાત કરાઈ હતી કે ગ્રીનલેન્ડ મડાગાંઠ વચ્ચે EU આ સોદો સ્થગિત કરવાની યોજના બનાવી રહ્યું છે. સ્કોટલેન્ડમાં ટ્રમ્પના ગોલ્ફ કોર્સ ખાતે જુલાઈ 2025માં કરવામાં આવેલા વેપાર કરાર હેઠળ યુરોપિયન માલસામાન પર અમેરિકાએ ટેરિફને અગાઉની 30 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની સંમતિ આપી હતી. આના બદલામાં અમેરિકામાં યુરોપના રોકાણમાં વધારો કરવાની જોગવાઈ હતી.
આ ડીલ અંગે યુરોપની સંસદની વેપાર સમિતિમાં 26-27 જાન્યુઆરીએ મતદાન થવાનું હતું. બર્ન્ડ લેંગે બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ટ્રમ્પની નવી ટેરિફ ધમકીઓથી ટર્નબેરી સોદો ફોક થયો છે














