ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબમાં ભારતીય દૂતાવાસમાં અતિક્રમણ અને તોડફોડની ઘટના સામે ભારતે સખત વિરોધ નોંધાવી દોષિતો સામે પગલાં લેવાની માગણી કરી હતી. ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો.
વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું હતું કે સરકાર્ નવી દિલ્હી અને ઝાગ્રેબ બંનેમાં ક્રોએશિયન અધિકારીઓ સાથે આ મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો છે અને ગુનેગારો સામે તેમના નિંદનીય કૃત્યો બદલ કાર્યવાહી કરવાની તાકીદ કરે છે. અમે ભારત વિરોધી તત્વો દ્વારા ક્રોએશિયાના ઝાગ્રેબમાં અમારા દૂતાવાસમાં ઘૂસણખોરી અને તોડફોડની ઘટનાની નિંદા કરીએ છીએ.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિયેના કરાર હેઠળ રાજદ્વારી પરિસરનું રક્ષણ કરવું આવશ્યક છે.તે મુજબ અમે નવી દિલ્હી અને ઝાગ્રેબ બંનેમાં ક્રોએશિયન અધિકારીઓ સાથે આ મામલો મજબૂતીથી ઉઠાવ્યો છે અને તેમને ગુનેગારોને તેમના નિંદનીય અને ગેરકાયદેસર કૃત્યો માટે જવાબદાર ઠેરવવા કહ્યું છે. આવા કૃત્યોની કાયદા અમલીકરણ અધિકારીઓએ દરેક જગ્યાએ નોંધ લેવી જોઈએ.
શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના નેતા ગુરપતવંત સિંહ પન્નુને ઓનલાઈન પોસ્ટ કરાયેલા એક કથિત વીડિયો મુજબ ખાલિસ્તાની તત્વો ઝાગ્રેબમાં ભારતીય દૂતાવાસમાંથી ભારતીય ધ્વજ દૂર કરીને તેની જગ્યાએ પીળો ખાલિસ્તાન ધ્વજ લગાવતો જોવા મળે છે.













