પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુકેમાં ભારતીય પરિવારોમાં પુત્રો અને પુત્રીઓના જન્મના ગુણોત્તરમાં ચિંતાજનક અસંતુલન ઉભુ થયું છે અને તેની પાછળ ફરી એકવાર પુત્રની પસંદગી કરવા માટે પુત્રીઓનો ગર્ભપાત કરવામાં આવતો હોવાના અહેવાલોને પગલે ચિંતાઓ ફેલાઇ છે. નવા ડેટા દર્શાવે છે કે ભારતીયોમાં પુત્ર માટેની સાંસ્કૃતિક પસંદગીને કારણે રેકોર્ડ સંખ્યામાં બાળકીઓનો ગર્ભપાત થયો હશે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સ (ONS) દ્વારા સંકલિત આંકડાઓ પર આધારિત એક તપાસ દર્શાવે છે કે 2021 અને 2025 ની વચ્ચે, બ્રિટનમાં ભારતીય માતાઓની કુખે દર 100 છોકરીઓએ સામે આશરે 118 છોકરાઓનો જન્મ થયો હતો, જે 100 છોકરીઓ દીઠ 105 છોકરાઓના રાષ્ટ્રીય સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. કુદરતી જન્મ ગુણોત્તરની સરકાર દ્વારા સ્વીકૃત ઉપલી મર્યાદા 100 સ્ત્રીઓ દીઠ 107 પુરુષોની છે.

નિષ્ણાતો કહે છે કે આ અસંતુલન ખાસ કરીને ત્રીજા જન્મેલા બાળકોમાં તીવ્ર રહ્યું છે. ભારતીય મહિલાઓમાં પ્રથમ અને બીજા બાળકનો જન્મ મોટાભાગે રાષ્ટ્રીય વલણોને પ્રતિબિંબિત કરે છે, પરંતુ ત્રીજા બાળકનો ગુણોત્તર 2021/22 માં ઝડપથી વધીને 114 પુત્રો સામે 100 પુત્રીઓનો રહ્યો હતો. જે પછીના વર્ષે થોડો ઘટ્યો હતો. તે પછી 2023/24માં 118 સામે 100નો હતો. વિશ્લેષકો માને છે કે આ પેટર્ન સૂચવે છે કે જે સ્ત્રીઓને પહેલાથી જ પુત્રીઓ છે તેઓ ત્રીજી ગર્ભાવસ્થા વખતે પુત્રી ગર્ભમાં હોય ત્યારે તેમના પર ગર્ભપાત કરવાનું દબાણ હોઈ શકે છે.

કેમ્પેઇનર ચેતવણી આપે છે કે પરિવારો અને સમુદાયોમાં બળજબરી આ પ્રથાને આગળ ધપાવી શકે છે. ઘરેલુ દુર્વ્યવહાર ચેરિટી જીના ઇન્ટરનેશનલના સ્થાપક રાની બિલ્ખુએ જણાવ્યું હતું કે સ્ત્રીઓ ઘણીવાર પતિઓ અથવા વિસ્તૃત પરિવારો દ્વારા દબાણ કરવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓ પોતે જ એવી માન્યતાઓને આંતરિક બનાવે છે કે પુત્રો વધુ મૂલ્ય ધરાવે છે.

પ્રો-લાઇફ જૂથો દલીલ કરે છે કે આ આંકડા ફક્ત “હિમશિલાની ટોચ” જેવા છે. તેનાથી વિપરીત, બાંગ્લાદેશી કે પાકિસ્તાની માતાઓમાં સમાન લિંગ અસંતુલન જોવા મળ્યું નથી.

2014માં જારી કરાયેલા હાલના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ફક્ત ગર્ભના લિંગના આધારે ગર્ભપાત ગેરકાયદેસર છે. સરકારે પોતાના વલણને પુનરાવર્તિત કરી આગ્રહ રાખ્યો છે કે બાળકના લિંગની પસંદગી કરી કરાતા ગર્ભપાતના કોઈપણ પુરાવા પોલીસને જાણ કરવા જોઈએ, અને ચેતવણી આપી છે કે કાયદાનો ભંગ કરનારા પ્રેક્ટિશનરોને ફોજદારી પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

LEAVE A REPLY