REUTERS/Jonathan Ernst

અમેરિકાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ગુરુવારે 22 જાન્યુઆરીએ તેમના કથિત ‘બોર્ડ ઓફ પીસ’ના પ્રથમ ચાર્ટરનું અનાવરણ કર્યું હતું. આ બોર્ડની રચનાનો મૂળ હેતુ ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધ પછી ગાઝાના પુનર્નિર્માણ અને શાસનની દેખરેખ માટેનો છે, પરંતુ તેના કાર્યક્ષેત્રને હવે વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ સુધી વિસ્તારવામાં આવ્યું છે. ટ્રમ્પ તેને સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી એક વૈશ્વિક સંસ્થા બનાવવા માગતા હોવાની ઘણા દેશોમાં ચિંતા છે. જોકે ટ્રમ્પે જણાવ્યું હતું કે આ બોર્ડ સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સંકલનમાં કામગીરી કરશે.

દાવોસમાં ખાસ સમારંભમાં ટ્રમ્પે આ બોર્ડને લોન્ચ કર્યું હતું. જોકે ભારત, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, ચીન, જર્મની અને અન્ય ઘણા અગ્રણી દેશોએ બોર્ડ ઓફ પીસ માટેના હસ્તાક્ષર સમારોહમાં હાજરી આપી ન હતી.

આ બોર્ડના અધ્યક્ષ ટ્રમ્પ પોતે રહેશે. આ નવા સંગઠનમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર માઇલી અને ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતો સહિત એક ડઝનથી વધુ દેશોના વડાઓએ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતાં. આ બોર્ડમાં તુર્કી, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને કતાર સહિતના પ્રાદેશિક મધ્ય પૂર્વના શક્તિશાળી દેશો તેમજ ઇન્ડોનેશિયા જેવા મુખ્ય ઉભરતા રાષ્ટ્રો પણ સામેલ થયા છે.
બોર્ડના કાયમી સભ્ય બનવા માટે દરેક દેશે 1 બિલિયન ડોલરનું ભંડોળ આપવું પડશે.

અમેરિકા સિવાય યુએન સુરક્ષા પરિષદના અન્ય કોઈ કાયમી સભ્ય દેશ હજુ તેમાં જોડાયા નથી. રશિયાએ બુધવારે મોડી રાત્રે કહ્યું હતું કે તે આ દરખાસ્તનો અભ્યાસ કરી રહ્યું છે. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે મોસ્કો “પેલેસ્ટિનિયન લોકોને ટેકો આપવા માટે અમેરિકામાં ટાંચમાં લેવાયેલી સંપત્તિમાંથી 1 અબજ ડોલર ચૂકવવા તૈયાર છે. ફ્રાન્સે જોડાવાનો ઇનકાર કર્યો હતો. બ્રિટને ગુરુવારે કહ્યું હતું કે તે હાલમાં જોડાઈ રહ્યું નથી. ચીને હજુ કોઇ નિર્ણય કર્યો નથી. ટ્રમ્પના સમર્થકો ગણાવતા ઇઝરાયલ, આર્જેન્ટિના અને હંગેરીએ બોર્ડમાં જોડવાની જાહેરાત કરી છે.

LEAVE A REPLY