સાયબર

અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં નાઇજીરીયન મહિલાને સાયબર ફ્રોડના આરોપમાં સાત વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકાર્યો છે. તેણે અમરેલીના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
આ કેસની વિગત મુજબ, જૂન ૨૦૨૩માં ફરિયાદી પિયુષભાઈ ઠુમ્મર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી નાઇજીરીયન મહિલા આરોપીએ પોતાની ઓળખ વિદેશી મિત્ર તરીકે આપી હતી. લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપી, ‘Skye Elite Logistics’ નામની નકલી કુરિયર સર્વિસના ઈમેઈલ અને વિવિધ મોબાઈલ નંબરો દ્વારા ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કસ્ટમ ડયુટી, ઇન્કમ ટેક્સ અને કરન્સી કન્વર્ઝન જેવા ખોટા બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂ. ૧૪,૦૯,૦૦૦ પડાવી લેવામાં આવ્યા હતા.
અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ કેસમાં અત્યંત જટિલ અને ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુનામાં ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તપાસીને શંકાસ્પદ મોબાઈલ નંબરોના CDR/SDR અને ગૂગલ લોગિન વિગતોના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું. જેમાં ઇન્ટરનેશનલ કનેક્શન બહાર આવ્યું. તપાસમાં ખુલેલું કે આરોપીએ ગુરુગ્રામ (હરિયાણા) ખાતે નકલી પાસપોર્ટ પર ટાટા પ્લે બ્રોડબેન્ડ કનેક્શન મેળવી આ કૌભાંડ આચર્યું હતું. સાયબર ટીમ દ્વારા ગુરુગ્રામથી આરોપીની ધરપકડ કરી, તેની પાસેથી ૬ મોબાઈલ ફોન, ૧ લેપટોપ અને ૨ બોગસ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફોરેન્સિક સાયન્સ લેબ ગાંધીનગરના રિપોર્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી સાબિત કરવામાં આવ્યું કે આરોપી દ્વારા અપાયેલા તમામ દસ્તાવેજો નકલી હતા.
સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા ૧૧ સાક્ષીઓ અને ૧૪૨ દસ્તાવેજી પુરાવાઓ તેમજ NCRBના ડેટા સાથેની ધારદાર રજૂઆતના આધારે અદાલતે આ કડક સજા ફટકારી છે.

LEAVE A REPLY