જમ્મુ કાશ્મીર-હિમાચલના પહાડી વિસ્તારોમાં વ્યાપક બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના એક દિવસ પછી સમગ્ર ઉત્તર ભારતમાં બર્ફિલા પવનોથી તાપમામનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં પણ લઘુતમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં કોલ્ડવેવનો અનુભવ થયો હતો.
ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન પોરબંદરમાં 9 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 5.1 ડિગ્રી ઓછું હતું. 25 જાન્યુઆરીએ સવારે ૮:૩૦ વાગ્યે નોંધાયેલા IMD ડેટા મુજબ મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨ થી ૬ ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું.
રાજસ્થાનના બિકાનેરના લુણકરનસર 0.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું હતું.ભારતીય હવામાન વિભાગ (IMD)એ 25 અને 26 જાન્યુઆરીએ હિમાચલપ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાંક વિસ્તારોમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની આગાહી કરી હતી. રવિવારે સવારે દિલ્હીમાં મધ્યમ ધુમ્મસની સંભાવના છે.
દિલ્હીમાં વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો. સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું, જે શુક્રવારના 13.7 ડિગ્રીથી તીવ્ર ઘટાડો દર્શાવે છે. આયાનગરમાં સૌથી ઓછું તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું.
શનિવારે કાશ્મીરમાં હવામાનની સ્થિતિમાં સુધારો થયો હતો, જેના કારણે શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ હતી, જોકે ખીણમાં રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં માઈનસ 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શનિવાર અને રવિવારે હળવા વરસાદ અને બરફર્ષાની આગાહી કરી હતી.
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે અને અન્ય મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક ફરી ચાલુ કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. બરફવર્ષાને કારણે આ રસ્તામાં શનિવારે સતત બીજા દિવસે બંધ રહ્યાં હતાં. 270 કિમી લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ફસાયેલા સેંકડો મુસાફરોને આર્મી, પોલીસ અને નાગરિક વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
બરફવર્ષાથી હિમાચલપ્રદેશમાં બે નેશનલ હાઇવે સહિત 680થી વધુ રસ્તાઓ બ્લોક થયા હતાં. રાજ્યમાં 5,775 ટ્રાન્સફોર્મર ખોટવાતા કારણે હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ હતી.













