
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે સીમાચિહ્નરૂપ મુક્ત-વેપાર કરારની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ મોટો કરાર આશરે 25 ટકા વૈશ્વિક જીડીપીને કવર કરે છે અને તેનાથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ મળશે તથા વિશ્વના બે મોટા અર્થતંત્રના સર્વિસ ક્ષેત્રને સપોર્ટ મળશે.
વડાપ્રધાને નોંધ્યું હતું કે ભારત-EU વેપાર કરારને વિશ્વભરના ઘણા લોકો “મધર ઓફ ઓલ ડીલ્સ” તરીકે જોઈ રહ્યાં છે. તેનાથી બંને બાજુના બિઝનેસ અને લોકો માટે મોટી તકો ઊભી કરશે.
તેમણે ભારતીય ઉર્જા સપ્તાહને વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક સીમાચિહ્નરૂપ કરાર પર હસ્તાક્ષર થઈ રહ્યા છે. વિશ્વભરના લોકો આ કરારને મધર ઓફ ઓલ ડીલ્સ કહી રહ્યાં છે. આ કરાર ભારતના 1.4 અબજ લોકો અને યુરોપિયન દેશોના લાખો લોકો માટે પ્રચંડ તકો ઊભી કરશે. આ કરાર વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહકારનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. તેનાથી ભારતની ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને લેધ ગૂડ્સ સહિતના ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. આ ડીલ વૈશ્વિક જીડીપીના 25 ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફક્ત વેપાર જ નહીં, પરંતુ લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.












