
અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિઓ વચ્ચે મંગળવાર, 27 જાન્યુઆરીએ ભારત અને યુરોપિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ)ની જાહેરાત થવાની પૂરી સંભાવના છે. EU કમિશનના પ્રમુખ અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાનો તરીકેની ભૂમિકા ભજવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારત-EU સમિટ યોજશે.
અમેરિકાની ટેરિફથી ભારત અને યુરોપ બંને પ્રભાવિત થયેલા છે. આવા સમયે આ કરાર બંને દેશો માટે લાભકારક બનશે. ભારત અને EU 2004થી વ્યૂહાત્મક ભાગીદારો છે. ભારત અને યુરોપ લોકશાહી મૂલ્યો, બહુપક્ષીયતા અને નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવે છે.
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે સીમાચિહ્નરૂપ મુક્ત-વેપાર કરારની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ મોટો કરાર આશરે 25 ટકા વૈશ્વિક જીડીપીને કવર કરે છે અને તેનાથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ મળશે તથા વિશ્વના બે મોટા અર્થતંત્રના સર્વિસ ક્ષેત્રને સપોર્ટ મળશે.
વડાપ્રધાને નોંધ્યું હતું કે ભારત-EU વેપાર કરારને વિશ્વભરના ઘણા લોકો “મધર ઓફ ઓલ ડીલ્સ” તરીકે જોઈ રહ્યાં છે. તેનાથી બંને બાજુના બિઝનેસ અને લોકો માટે મોટી તકો ઊભી કરશે.
તેમણે ભારતીય ઉર્જા સપ્તાહને વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક સીમાચિહ્નરૂપ કરાર પર હસ્તાક્ષર થઈ રહ્યા છે. વિશ્વભરના લોકો આ કરારને મધર ઓફ ઓલ ડીલ્સ કહી રહ્યાં છે. આ કરાર ભારતના 1.4 અબજ લોકો અને યુરોપિયન દેશોના લાખો લોકો માટે પ્રચંડ તકો ઊભી કરશે. આ કરાર વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહકારનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. તેનાથી ભારતની ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને લેધ ગૂડ્સ સહિતના ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. આ ડીલ વૈશ્વિક જીડીપીના 25 ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફક્ત વેપાર જ નહીં, પરંતુ લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.
બીજી તરફ ભારત સાથે યુરોપિયન યુનિયનના ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ)નો વિરોધ કરતાં અમેરિકાએ જણાવ્યું હતું કે ભારત સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરી યુરોપ પોતાની જ સામેના “યુદ્ધ” માટે ભંડોળ પૂરું પાડી રહ્યું છે. યુરોપે રશિયા સાથે સીધા ઉર્જા સંબંધોને તબક્કાવાર રીતે તોડી નાખ્યા છે, પરંતુ તેઓ ભારતમાં રિફાઇન્ડ રશિયન ઓઇલ પ્રોડક્ટ્સ ખરીદી કરીને રશિયા-યુક્રેન યુદ્ધને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડી રહ્યું છે.
અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે દલીલ કરી હતી કે વોશિંગ્ટન મોસ્કોના ઉર્જા વેપારને અસ્થિર કરવા માટે દબાણ કરી રહ્યું છે, ત્યારે યુરોપ વૈશ્વિક ક્રૂડ ઓઇલના વેપારમાં છટકબારીઓથી આર્થિક રીતે લાભ મેળવી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેમાં દિલ્હી દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી માટેના 25 ટકા ટેરિફનો સમાવેશ થાય છે. રશિયાનું ક્રૂડ ઓઇલ ભારતમાં જાય છે અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સની યુરોપિયન દેશો ખરીદી કરે છે. તેઓ પોતાની સામેના યુદ્ધને ભંડોળ પુરું પાડી રહ્યાં છે.
મંગળવાર, 27 જાન્યુઆરીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર કરારની જાહેરાત થવાની છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. બંને નેતાઓ ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ બન્યાં હતાં. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડિલ્સ’ તરીકે વર્ણવી રહ્યું છે. આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, ફૂટવિયર સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.
ભારતના આગ્રહ પર કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સને આ ડીલમાં સામેલ ન કરાયા હોવાનું માનવામાં આવે છે. ભારત અને યુરોપ વચ્ચે ડિફેન્સ અંગે પણ મહત્ત્વની ડીલ થવાની ધારણા છે, જેમાં સાયબર સિક્યુરિટી, આતંકવાદ વિરુદ્ધ લડત, દરિયાઈ સુરક્ષા સામેલ છે.













