યુકેભરની ફાર્મસીઓએ હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકને રોકવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એસ્પિરિનની દેશભરમાં અછત સર્જાશે તેવી ચેતવણી આપી છે. દવાના ઉત્પાદનમાં વિલંબથી પુરવઠામાં ભારે ઘટાડો થયા બાદ આરોગ્ય અધિકારીઓએ એસ્પિરિનના તમામ સ્વરૂપોની નિકાસ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે.
નેશનલ ફાર્મસી એસોસિએશન (NPA) એ જણાવ્યું હતું કે ફાર્માસિસ્ટ હૃદયરોગના હુમલા અથવા સ્ટ્રોકનો ઇતિહાસ ધરાવતા દર્દીઓ સહિત, સૌથી તાત્કાલિક ક્લિનિકલ જરૂરિયાતો ધરાવતા દર્દીઓ માટે સ્ટોક રેશન કરી રહ્યા છે. 540 ફાર્મસીઓના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 86 ટકા દર્દીઓ છેલ્લા અઠવાડિયામાં એસ્પિરિન સપ્લાય કરવામાં અસમર્થ હતા. ખાસ કરીને ઓછી માત્રાવાળી 75mg ગોળીઓની અછતને અસર થઈ છે.
ગયા વર્ષે એસ્પિરિનના પેકેટની કિંમત 18 પેન્સથી વધીને આ મહિને £3.90 થઈ ગઈ છે, જ્યારે NHS રિઇમ્બર્સમેન્ટ નોંધપાત્ર રીતે ઓછું રહે છે. ફાર્મસી લીડર્સે પરિસ્થિતિને “અતિશય ચિંતાજનક” ગણાવી છે અને ફાર્માસિસ્ટને સલામત વિકલ્પો પૂરા પાડવા અને દવાઓ રિઇમ્બર્સમેન્ટ સુધારવા માટે તાત્કાલિક સુધારાની હાકલ કરી છે. અછતથી પ્રભાવિત દર્દીઓને તેમના સ્થાનિક ફાર્માસિસ્ટ પાસેથી સલાહ લેવા વિનંતી કરી છે.













