પીઢ નાટ્યકાર અને ફિલ્મકાર સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી કોમેડી ફિલ્મઃ ‘જય કનૈયાલાલ કી’ તાજેતરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં 30 વર્ષ સુધી સિદ્ધાંતો સાથે નોકરીનો સમયગાળો પૂર્ણ કરીને નિવૃત થયેલા મધ્યમ વર્ગીય કનૈયાલાલ પોતાના પરિવાર માટે કેટલી હદ સુધી જઈ શકે છે, તેને રમુજ સાથે દર્શાવવામાં આવી છે.
આ ફિલ્મમાં તેમની સાથે જીવનસાથીની ભૂમિકામાં ‘બા બહુ ઔર બેબી’ના જાણીતા અભિનેત્રી વૈશાલી ઠક્કર છે. તેમના પતિ કનૈયાલાલ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા સ્વભાવે થોડા તીખા, આખાબોલા અને ચુસ્ત સિદ્ધાંતવાદી છે. તેઓ નિવૃત જીવન જીવી રહ્યા છે. તેઓ પરિવારમાં એવો પ્રયાસ કરે છે કે, નિવૃત થયા પછી પણ જીવનમાં કંટાળે નહીં. હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. તેમની સાથે વિધાતા એક રમત રમે છે. આખું જીવન સિદ્ધાંતો સાથે સમાધાન નહીં કરનાર વ્યક્તિ માણસ જ્યારે પરિવાર પર આફત આવે, ત્યારે પોતાના સિદ્ધાંતોને એક બાજુ રાખીને વ્યાવહારિક બને છે.
દીકરીના લગ્નના થોડા દિવસો અગાઉ, કનૈયાલાલ એક બેંક કૌભાંડમાં બધું ગુમાવે છે, જેના કારણે તેને એક ભયાનક લૂંટની યોજના બનાવવાની ફરજ પડે છે. કનૈયાલાલ અને તેમનાં પત્ની અચાનક આવી પડેલી આફતનો સામનો કરવા માટે એક એવો રસ્તો અપનાવે છે, જેના કારણે તેઓ ગૂંચવણ, રીત-રિવાજ વગેરેમાં ફસાઈ જાય છે.
લગ્ન નજીક આવતાની સાથે જ, એક પોલીસ અધિકારી (હિતુ કનોડિયા) કનૈયાલાલના રહસ્યને શોધવા તેમના સંપર્કમાં આવે છે. પ્રામાણિક વ્યક્તિ ટકી રહેવા માટે લડે છે ત્યારે તણાવ વધે છે. આ સ્થિતિમાં કનૈયાલાલ કહે છે કે, ‘સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે અને વિશ્વનો કોઈપણ સિદ્ધાંત પરિવારથી ઉપર હોતો નથી.’ જ્યારે પોલીસ અધિકારી કનૈયાલાલની પાછળ પડી જાય છે, ત્યારે તે કહે છે, ‘એનું તો નામ ગોવર્ધન છે, પણ મારો તો નાથ ગોવર્ધન છે.’ હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મના દિગ્દર્શક ‘તારક મહેતા…’ ફેમ ધર્મેશ મહેતાએ કર્યું છે. હિન્દી ટીવી સિરિયલ ‘બેહદ’ની જાણીતી અભિનેત્રી અનેરી વજાણી અને શ્રેય મારડિયા પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં સંગીત ડો. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પૂરોહિતનું છે, જ્યારે ગીતોમાં સૂર બોલીવૂડ ગાયક શાન, અમિત ત્રિવેદી અને પાર્થિવ ગોહિલના છે.














