પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિઓ, ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે ગજગ્રાહ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સેફ હેવન તરીકે સોના-ચાંદીની ખરીદીમાં વધારો થતાં ભારતના વાયદા બજારમાં મંગળવાર, 20 જાન્યુઆરીએ સતત બીજા દિવસે ચાંદીના ભાવ કિગ્રા દીઠ રૂ.3 લાખને વટાવી ગયાં હતાં અને સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ.1.50 લાખની રેકોર્ડ સપાટીએ પહોંચ્યાં હતાં.

20 જાન્યુઆરીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનાના વાયદાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ.6,861 અથવા ચાર ટકા ઉછળીને રેકોર્ડ રૂ.1,52,000 થયાં હતાં. ચાંદીમાં પણ સતત બીજા સત્રમાં તેની ધમાકેદાર તેજી ચાલુ રહી હતી. MCXમાં તેના ભાવ રૂ.17,723 અથવા લગભગ 6 ટકાના વધારા સાથે રૂ.3,27,998 પ્રતિ કિલોગ્રામનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. વૈશ્વિક બજારોમાં પણ સોના ચાંદીના ભાવો રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતાં. સોના ભાવ ઔંશ દીઠ રૂ.4,648 ડોલર અને ચાંદીના ભાવ ઔંશ દીઠ 84.08 ડોલરે પહોંચ્યાં હતાં.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં વધારો અને નબળા રૂપિયાને કારણે 2026ની શરૂઆતથી પીળી ધાતુમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લાં એક વર્ષમાં વિશ્વ બજારમાં પણ બંને કિંમતી ધાતુમાં તોફાની તેજી આવી છે. દિલ્હી બુલિયન બજારમાં ચાંદી સોમવારે રૂ.10,000 ઉછળીને રૂ.3,02,000ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. અમદાવાદ બુલિયન બજારમાં ચાંદીના ભાવ રૂ.2,90,000 થયા હતાં.

વૈશ્વિક બજારમાં ભાવ ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં ભારતમાં આયાત થતી કિંમતી ધાતુઓનો આયાત ખર્ચ વધ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.2,200 ઉછળ્યા હતાં. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.15,000નો વધારો જોવા મળ્યો હતો.

ગ્રીનલેન્ડને મુદ્દે અમેરિકાને સાથ ન આપતા યુરોપના આઠ દેશો પર પહેલી ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લાદવાની પ્રેસિડન્ટ ટ્રમ્પની ધમકીથી બુલિયન માર્કેટમાં ખળભળાટ મચ્યો હતો. ટ્રમ્પની યોજના અંગે યુરોપના દેશોએ તીખી પ્રતિક્રિયા આપી હતી. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને EUના બળજબરી વિરોધી મિકેનિઝમનો ઉપયોગ કરવાનો સંકેત આપ્યો હતો, જ્યારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે આર્થિક ઉથલપાથલને ટાળવા માટે પગલાં લેવાનો સંકેત આપ્યો હતો.

 

LEAVE A REPLY