આંધ્ર પ્રદેશનાં વતની ભારતીય અમેરિકને, ટેક્સાસમાં 3 માર્ચના રોજ યોજાનારી પ્રાઇમરીમાં યુએસ કોંગ્રેસ માટે ટેક્સાસ ડિસ્ટ્રિક્ટ 31માંથી ઝંપલાવ્યું છે. આ ચૂંટણી જંગમાં તેમની સાથે કુલ 10 રીપબ્લિકન ઉમેદવારો છે. અભિરામ ગરાપતિ નામના આ ઉમેદવાર એક બિઝનેસમેન છે, તેઓ તેમના કેમ્પેઇનનો ખર્ચ માટે પોતે જ ભંડોળ આપે છે. તેઓ પશુપાલક પણ છે અને કાઉબોય હેટ પણ પહેરે છે, તેઓ અમેરિકામાં અનોખા ભારતીય છે. અભિરામ ગરાપતિ પોતાના ટેક્સાસ કાઉબોય જેવા વ્યક્તિત્વને સાબિત કરવા માટે ઘાસચારો વેચે છે. તેઓ 1997માં 22 વર્ષની ઉંમરે ફક્ત 500 ડોલર સાથે અમેરિકામાં આવ્યા હતા. તેઓ કહે છે કે, ‘2010માં અમેરિકન નાગરિક બનીને મેં ગર્વથી આ દેશ પ્રત્યેની મારી નિભાવી છે, અને મારા જન્મના દેશમાં મારી નાગરિકતાને રદ્દ કરાવી હતી.’ Ballotpedia.org પર જણાવ્યા મુજબ તેમનો જન્મ આંધ્ર પ્રદેશના નુઝવિદ શહેરમાં થયો હતો. તેમણે ઇલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સ એન્જિનીયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી છે અને સ્ટેફોર્ડ યુનિવર્સિટી માટે એડવાન્સ ઇન્વેસ્ટમેન્ટ કોર્ષ પૂર્ણ કર્યો હતો.
તેમણે અનેક પ્રકારના બિઝનેસ સફળતાપૂર્વક કર્યા છે. અત્યારે તેઓ કોમર્શિયલ રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ-એન્ટ સેવિંગ્સના પ્રેસિડેન્ટ છે, જેની સ્થાપના તેમણે 2004માં કરી હતી.










