ઈરાનના પાટનગર તેહરાનમાં એક ગંભીર વિમાન દુર્ઘટના ઘટી છે. તેહરાનના ઈમામ ખૌમેની આંતરાષ્ટ્રીય એરપોર્ટ નજીક જ યુક્રેનનું એક વિમાન ક્રેશ થયું છે. બોઈંગ 737 મેકનું આ વિમાન 170 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સને લઈ જઈ રહ્યું હતું. પ્રાથમિક તપાસ અનુસાર વિમાનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા વિમાન ક્રેશ થયું હોવાનું માલુમ પડ્યું છે. વિમાને ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં ક્રેશ થઈ ગયું હતું.
આ ભીષણ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 170 પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. ઈરાનની રેડ ક્રિસેન્ટના પ્રમુખે જણાવ્યું કે વિમાન ક્રેશ થવાની દુર્ઘટનામાં વિમાનમાં સવાર 176 પ્રવાસીઓના મોત નિપજ્યા છે. રેડ ક્રેસેન્ટ એ ઈરાનની બિન સરકારી માનવતાવાદી સંસ્થા છે
જો કે, આ દુર્ઘટના કયા કારણસર ઘટી તે અંગે હજી કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી. દુર્ઘટનાની જાણકારી મળતાની સાથે જ ઉડ્ડયન વિભાગની એક તપાસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ રાહત અને બચાવ કામગીરી પણ હાથ ધરી લેવામાં આવી છે. મૃત્યુઆંક અંગે કોઈ પ્રાથમિક આંકડો જાહેર નથી કરાયો.
યુક્રેન જઈ રહેલું બોઈંગ 737 જેટ વિમાન ટેક ઓફ કરતી વખતે જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અગાઉ આ વિમાનમાં 180 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ સવાર હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું. ઉડ્ડયન વિભાગના પ્રવક્તા રઝા જાફરજાહેદે કહ્યું કે તેહરાનના દક્ષિણ-પશ્ચિમના બાહરી વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી જેની તપાસ હાથ ધરવામાં આવી છે.
વિમાને ઉડાન ભર્યાના થોડા જ સમયમાં એરપોર્ટ સાથેનો સંપર્ક તોડી દીધો હતો. આ દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અંધકાર વચ્ચે પ્લેન ઉડાન ભર્યાની થોડીવારમાં એકાએક કોઈકારણસર તૂટી પડે છે અને જોરદાર ધડાકા સાથે આકાશમાં આગ અને ઘૂમાડો જોવા મળે છે.