Represents image Getty Images)

અમેરિકન ઉડ્ડયન સંસ્થાએ ઈરાક, ઈરાન અને અખાતના એરસ્પેસમાંથી પસાર થતી તમામ નાગરિક ફ્લાઈટ્સને રદ કરવાનો આદેશ આપ્યો છે. ઈરાન સાથેની સ્થિતિ વણસતા અમેરિકાએ તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. ઈરાને તેના જનરલ સુલેમાનીની હત્યા બદલ ઈરાક સ્થિત અમેરિકન લશ્કરના એરબેઝ પર બેલેસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો કર્યો હોવાથી અમેરિકા સતર્ક થઈ ગયું છે અને પરિણામે તમામ સિવિલ ફ્લાઈટ્સ પર આ ક્ષેત્રમાં પ્રતિબંધ મૂકી દીધો છે.

7 જાન્યુઆરી્ના રોજ ઈરાને ડઝન જેટલા બેલેસ્ટિક મિસાઈલ હુમલા કરીને અમેરિકાના બે એરબેઝને નિશાન બનાવ્યા હતા. આ એરબેઝનો યુએસ અને સંગઠન દળો દ્વારા ઉપયોગ કરાયો હતો. ઈરાનના રિવોલ્યુશનર ગાર્ડ જનરલ કાસીમ સુલેમાનીની યુએસ ડ્રોન હુમલામાં હત્યા બાદથી અખાતમાં ફરી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખૈમેનીએ પણ યુએસ સાથે ખતરનાક બદલો લેવાની ચિમકી ઉચ્ચારી હતી.

યુએસ ફેડરલ એવિએશન ઓથોરિટીએ (FAA) મંગળવારે રાત્રે એક જાહેરનામું બહાર પાડીને અમેરિકન એરલાઈન્સને ઈરાક, ઈરાન અને ખાડી દેશોના એરસ્પેસ પરથી નાગરિક ફ્લાઈટ ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નાગરિક ઉડ્ડયન એજન્સીના મતે તે બારિકાઈથી આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે અને મધ્યપૂર્વમાં બનતી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તેમજ ભાગીદારો સાથે પણ પરામર્શ કરવામાં આવી રહ્યો છે. ઈરાન દ્વારા ઈરાકમાં યુએસ એરબેઝ પર કરાયેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલો તેમજ ઈરાનના તેહરાનમાં યુક્રેનનું એક વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલને પગલે ભારત, સિંગાપોર અને મલેશિયા સહિતના દેશોએ હાલમાં પશ્ચિમ એશિયાના ઈરાન, ઈરાક સહિતના અખાતી દેશોના એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા તેમની એરલાઈન્સે એક એડવાઈઝરીમાં જણાવ્યું છે. આ ઉપરાંત ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને ઈરાકમાં વસતા ભારતીય નાગરિકોને સતર્ક રહેવા તેમજ હાલ મુસાફરી નહીં કરવાની સલાહ આપી છે.