વેમેડના વિજયભાઇ અને ભીખુભાઇ પટેલની માલિકીની વિખ્યાત ફાર્માસ્યુટીકલ કંપની એટનાહ્સે મુખ્યત્વે હાયપરટેન્શન અને બ્લડ પ્રેશરની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી પાંચ દવાઓનુ ઉત્પાદન કરવાના હક્ક બ્રિટનની સૌથી મોટી દવા કંપનીઓમાંની એક એસ્ટ્રાઝેનેકા પાસેથી ખરીદી લીધા છે. એટનાહ્સ પહેલા તબક્કે 350 મિલિયન ડોલર અને પછીના બે વર્ષમાં 40 મિલિયન ડોલરની ચૂકવણી કરશે.
એસ્ટ્રાઝેનેકા અમેરિકા અને ભારતમાં તે દવાના અધિકારો અગાઉ વેચી ચૂકી છે અને હવે તે નવા સંભવિત બ્લોકબસ્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
એટનાહ્સ એસેક્સના બેઝિલ્ડનમાં એક સાઇટ ધરાવે છે. એસ્ટ્રાઝેનેકા હાલ દવાઓ બનાવવાનું અને સપ્લાય કરવાનું ચાલુ રાખશે, જેમાં ઇન્દ્રલ અને ટેનોરમિન સામેલ છે. કરાર દ્વારા આવરી લેવામાં આવેલી આ દવાઓનું હાલમાં 132 મિલિયનનું ડોલરનુ વાર્ષિક વેચાણ થાય છે.
એસ્ટ્રાઝેનેકા તેની ઉભરતી દવાઓના પાઇપલાઇનમાં રોકાણને પ્રાધાન્ય આપવા માટે જૂની દવાઓનો નિકાલ કરી રહી છે અને આ તેનો તાજેતરનો સોદો છે, જેમાં ઘણી ઓન્કોલોજીની દવાઓ સામેલ છે. કેમ્બ્રિજ સ્થિત એસ્ટ્રાઝેનેકાની સ્થાપના સ્વીડનની એસ્ટ્રા અને બ્રિટનના ઝેનેકાના સંયોજનથી 1999માં થઈ હતી.
વેમેડના વિજયભાઇ અને ભીખુભાઇ પટેલે પોતાની કંપનીનું નામ એટનાહ્સ (Atnahs) પોતાની માતા શાંતાબાના નામ પરથી રાખ્યુ છે. Shantaનો સ્પેલીંગ ઉલટો કરો તો Atnahs થાય છે.