દોહામાં તાલિબાન સાથે અમેરિકાએ કરેલી શાંતિ મંત્રણા એ શરતો સાથેનો કરાર હોવાનું યુએસ રક્ષા સચિવ માર્ક એસ્પરે જણાવ્યું છે. અફઘાનિસ્તાનમાં બે દાયકાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા તરફ આ એક મહત્વનું પ્રથમ પગલું હોવાનું એસ્પરે જણાવ્યું છે. યુએસ અને તાલિબાન વચ્ચે શનિવારે દોહામાં શાંતિ મારે કરાર થયો હતો જેમાં અફઘાનિસ્તાનમાંથી 14 મહિનામાં લશ્કર પરત ખેંચવા અમેરિકા સહમત થયું છે.
અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત લાવવાની દિશામાં રાજકીય ઉકેલ માટેનું આ પ્રથમ પગલું છે. હું મારા અફઘાનના ભાગીદારોને યાદ અપાવવા માંગુ છું કે, આ શરતો આધારિત કરાર છે, તેમ એસ્પરે અફઘાનિસ્તાનથી પરત ફર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું. પેન્ટાગોન ખાતે સંબોધતા તેમણે કહ્યું કે અમેરિકા તાબિલાનોની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે અને તેઓ પોતાના વાયદાને વળગી રહે છે કે કેમ તે જોવામાં આવશે. 18 વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકાના સંખ્યાબંધ સર્વિસમેન તેમજ વિમેને આપેલા બલિદાન બાદ આ કરાર સંભવ થયો છે.
અમેરિકાએ શાંતિ કરારમાં એવી શરત મૂકી છે કે અફઘાનિસ્તાનમાં હિંસાનું પ્રમાણ ઘટશે અને સમયાંતરે તે નામશેષ થશે તો જ તેઓ લશ્કરને ખસેડશે. અમેરિકા તબક્કાવાર સૈન્ય કાફલાને ખસેડશે અને દૈનિક ધોરણે સ્થિતિની સમીક્ષા પણ કરશે. અમેરિકાનું લક્ષ્ય અફઘાનિસ્તાન આતંકવાદને ઉછેરતી ધરતી ના બને તે રહેશે તેવું અમેરિકન સુરક્ષા વિભાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.