ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે જાહેર કરવામાં આવેલી યોજનાઓ અંતર્ગત યુ.કે. સરકાર કટોકટીની સ્થિતીમાં કોરોના વાયરસની બીમારી પ્રસરતી અટકાવવા શાળાઓ બંધ કરાવવા, મોટા કાર્યક્રમો રદ કરવા, મુસાફરી પર અંકુશ મૂકવા, લોકોને ઘરેથી કામ કરવા વિનંતી કરવી, એન.એચ.એસ.ના નિવૃત્ત ડોકટરો અને નર્સોની મદદ લેવી, આર્મીની મદદ લેવી, કામચલાઉ મોર્ગ ઉભા કરવા અને જરૂર પડે બીજા દર્દીઓને હોસ્પિટલોમાંથી ઘરે મોકલવા સહિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકે તેવી શક્યતાઓ છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યુ હતુ કે ‘’આપણે અઠવાડિયાઓ પહેલા આ પડકારનો સામનો કરીશું અને સરકાર દરેક શક્ય તૈયારી કરી રહી છે.’’
બીજી તરફ, લોકો ડરના માર્યા જીવન જરૂરી વસ્તુઓની વધારાની ખરીદી કરવા લાગ્યા છે, તેના કારણે અનેક વસ્તુઓનો સ્ટોક સુપર માર્કેટ્સમાં પણ ખાલી થઈ ગયો છે. યુ.કે.માં કોરોના વાયરસનો મોટા પ્રમાણમાં ફેલાવો થવાની સંભાવના અંગેની ચેતવણીઓ વચ્ચે એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યુ હતુ કે વાયરસનો ફેલાવો રોકવા સરકાર તમામ ‘જરૂરી અને વાજબી પગલાં’ લેશે. દેશમાં અત્યાર સુધીમાં ફક્ત 39 પોઝીટીવ કેસ છે પરંતુ નિષ્ણાતોને ડર છે કે યુરોપમાં વધતા જતા ચેપ પછી આગામી અઠવાડિયામાં તે સંખ્યા વધી શકે છે. તેને રોકવા માટે રણનીતિ ઘડવી પડશે. સરકારના 28 પાનાના ‘એક્શન પ્લાન’ ને સોમવારે (02 માર્ચ) વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોબ્રા મીટીંગમાં બહાલી અપાઈ હતી.
વૈજ્ઞાનિકોને હજી પણ આશા છે ઉનાળાનું ગરમ વાતાવરણ ચેપ ફેલાતો અટકાવવામાં મદદ કરશે. બની શકે છે કે પાંચમાંથી એક વ્યક્તિ કામ પર ગેરહાજર રહેશે. સરકાર હોસ્પિટલના સ્વયંસેવક બનવાની છ મહિનાની પ્રક્રિયા ઝડપી બનાવશે જેઓ દર્દીઓને ખવડાવવુ, દર્દીને વોર્ડની આસપાસ લઇ જવા, દવાઓ પહોંચાડવાનુ કામ નવા લોકો કરી શકે. બોર્ડર પરના અધિકારીઓને સત્તા અપાશે કે કોઈ મુસાફર જીવલેણ વાયરસ ધરાવતા હોય તો તેમને અટકમાં લેવાય.
સરકાર વાયરસ નિયંત્રણમાં મદદ માટે વધારાની સત્તાઓનો ઉપયોગ કરી શકે છે અને તે માટે આ મહિનાના અંત સુધીમાં એક કાયદો સંસદમાં પસાર થવાની સંભાવના છે. જોખમ વધે તો યુકેમાં ત્રીસ હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડ સ્થાપિત કરાશે. કોરોના વાયરસનો ફેલાવો ઘણા મહિનાઓ સુધી થઈ શકે છે અને ઘણા લોકોના જીવનમાં વિક્ષેપ થવાની પણ સરકારને ચિંતા છે. દરમિયાન, ચાન્સેલર ઋષિ સુનકે ટ્રેઝરી અધિકારીઓને આદેશ આપ્યો છે કે બજેટમાં જાહેર આરોગ્ય, વ્યવસાયો અને અર્થતંત્રને ટેકો આપવા માટેની યોજનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે.