કોરોના વાયરસ એ દુનિયભારમાં કહેર વર્તાવ્યો છે જેને પગલે તકેદારીના પગલાં લેવા માટે તંત્ર સફાળુ જાગ્યું છે. ભારતમાં પણ કોરોનાના દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે તેમજ બેના મોત થયા હોવાથી ગભરાટ ફેલાયો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ કોરોનાના ગભરાટને પગલે બેંગલુરુ ખાતે યોજાનાર તેની વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ સભા રદ કરવાનો નિર્ણય લીધો છે.
રવિવારથી આ સભાનો પ્રારંભ થવાનો હતો પરંતુ કોરોના વાયરસ વધુ ફેલાતા અટકાવવા માટે જાહેર સ્થળો પર મેળવડા નહીં યોજવાની સરકારની સુચનાને પગલે સંઘે આ નિર્ણય લીધો છે.15-17 માર્ચના યોજાનારી આ સભામાં 1,500થી વધુ લોકો હાજર રહેવાની ધારણા હતી.
આરએસએસના સરકાર્યવાહક સુરેશ જોશીએ જણાવ્યું કે, ‘કોરોનાની મહામારીને અનુસંધાનમાં તેમજ કેન્દ્રે જાહેર કરેલી સુચનાને પગલે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાને રદ કરવાનો નિર્ણય સંઘે કર્યો છે.’ તેમણે સંઘના કાર્યકર્તાઓને આમાં સહકાર આપવા વિનંતી કરી તેમજ કોરોના અંગે લોકોમાં જાગૃકતા વધારવામાં મદદરૂપ થવા અપીલ પણ કરી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત વીએચપી, એબીવીપી, ભારતીય મઝદૂર સંઘ સહિત 35 સંસ્થાઓના હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહેવાના હતા. સરસંઘચાલક મોહન ભાગવત તેમજ સુરેશ જોશી આ બેઠકને સંબોધિત કરવાના હતા.