વિપુલ માત્રામાં સંસાધનો અને ટેકનોલોજીની તાકાત ધરાવતુ અમેરિકા કોરોના વાયરસ સામે લાચાર અને વામણું પૂરવાર થઈ રહ્યુ છે.અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં તો 9-11ના આતંકવાદી હુમલાની જેમ એમ્બ્યુલન્સો સતત રસ્તાઓ પર દોડી રહી છે.
બીજી તરફ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યુ છે કે, આગામી બે સપ્તાહમાં અમેરિકામાં વાયરસના કારણે સૌથી વધારે મોત થશે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પના સલાહકારોએ કહ્યુ છે કે, અમેરિકામાં વાયરસના કારણે બે લાખ લોકો મોતને ભેટી શકે છે. એ પણ ત્યારે જ્યારે અમેરિકા વાયરસના પ્રસારને રોકવા માટે આકરા પગલા ભરે તો.
નેશનલ ઈન્સિટયુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિસિઝના ડાયરેક્ટર ડો.એન્થની ફોસીએ તો બહુ જ ડરામણુ અનુમાન લગાવતા કહ્યુ છે કે, આગામી દિવસોમાં લાખો અમેરિકનો આ વાયરસની ચપેટમાં આવી શકે છે. જેનાથી એક લાખ થી બે લાખ લોકો મોતને ભેટી શકે છે.સલાહકારોની ચેતવણી બાદ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાની ગાઈડ લાઈનને 30 એપ્રિલ સુધી વધારી દીધી છે. અમેરિકન પ્રેસિડેન્ટએ ચેતવણી આપી છે કે, આગામી બે સપ્તાહમાં સૌથી વધારે મોત થશે. એક જુન સુધીમાં અમેરિકા કોરોના વાયરસના સંકટમાંથી ઉગરી જશે.
તેમણે કહ્યુ હતુ કે, 1 એપ્રિલે સોશ્યલ ડિસ્ટન્સિંગને લઈને નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવશે.આપણે આશા રાખીએ કે એક જુન સુધીમાં આ સંકટમાંથી આપણે બહાર આવી જઈશુ. દરમિયાન અમેરિકામાં કોરોનાના કારણે 2475 લોકો મોતને ભેટી ચુક્યા છે. એકલા ન્યૂયોર્કમાં 1000 લોકો મોતને ભેટ્યા છે.